રાખી મેળાના આયોજન બાદ ગ્રાઉન્ડમાં ગંદકીના ગંજ ઉપરાંત ખાડાઓ કરી નખાતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતોમોરબી : મોરબી શહેરમાં L. E. ગ્રાઉન્ડમાં રાખી મેળાના આયોજન બાદ ગંદકીના ગંજ ઉપરાંત ખાડાઓ કરી નખાતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. આ મામલે મહાપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા L.E. કોલેજના આચાર્યને નોટિસ પાઠવવામાં આવી હતી. જેને પગલે L.E. કોલેજ દ્વારા તાત્કાલિક ગ્રાઉન્ડની સફાઈ હાથ ધરવામાં આવી હતી. તાજેતરમાં L.E. College ખાતે રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કોલેજના ગ્રાઉન્ડ અને તેની આસપાસના વિસ્તારમાં કચરો અને ગંદકી પડેલી જોવા મળી હતી. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ મુજબ કોઈપણ ઇવેન્ટ કે મેળાના આયોજક દ્વારા કાર્યક્રમ દરમિયાન તથા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉત્પન્ન થયેલ ઘન કચરાનું યોગ્ય રીતે સેગ્રીગેશન અને નિકાલ કરવાની સંપૂર્ણ જવાબદારી આયોજક અને કોલેજની રહે છે. આમ છતાં, આયોજકો દ્વારા પોતાની જવાબદારી મુજબ યોગ્ય સફાઈ ન કરવામાં આવતા મહાનગરપાલિકાની સફાઈ વ્યવસ્થા પર વધારાનો બોજ પડી રહ્યો હતો. આ બાબતને ગંભીરતાથી લઈને તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.મહાપાલિકાએ L.E. College ને નોટિસ ફટકારી સ્પષ્ટ સૂચના આપી હતી કે રાખી મેળા બાદ ગ્રાઉન્ડ તથા આસપાસના વિસ્તારમાં પડેલ તમામ કચરો તાત્કાલિક દૂર કરી સંપૂર્ણ સફાઈ કરાવવી. એકત્ર થયેલા કચરાનું યોગ્ય રીતે સેગ્રીગેશન કરી મહાનગરપાલિકા દ્વારા નિયુક્ત અધિકૃત વ્યવસ્થા મુજબ તેની સોંપણી કરવી, ગ્રાઉન્ડ અને આસપાસના વિસ્તારને સંપૂર્ણપણે સ્વચ્છ કરી પૂર્વવત સ્થિતિમાં લાવવાનો રહેશે અને સફાઈ કામગીરી પૂર્ણ થયાનો ફોટોગ્રાફિક પુરાવો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં રજૂ કરવાનો રહેશે. તદુપરાંત, ભવિષ્યમાં પણ કોલેજમાં યોજાતા કોઈપણ કાર્યક્રમની સફાઈ અને કચરા વ્યવસ્થાપનની સંપૂર્ણ જવાબદારી આયોજકે જ નિભાવવાની રહેશે.મહાનગરપાલિકા દ્વારા આ નોટિસ મળ્યાના વધુમાં વધુ 24 કલાકની અંદર સંપૂર્ણ સફાઈ કામગીરી પૂર્ણ કરી તેનો અહેવાલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાને રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો હતો. આ નોટિસ બાદ કોલેજ તંત્ર દ્વારા તાત્કાલિક ગ્રાઉન્ડમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેને પગલે અહીં દરરોજ દોડ લગાવતા તથા ક્રિકેટ રમતા યુવાનોએ રાહત અનુભવી છે. #MorbiUpdate #MorbiNews #MorbiMunicipalCorporation #LECollegeMorbi #CleanMorbi #SwachhBharat #SolidWasteManagement #MorbiCity