રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય શાખાની સરાહનીય કામગીરીવાંકાનેર મોરબી (અપડેટ) : મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા હેઠળ કાર્યરત રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) ની ટીમ દ્વારા છેવાડાના ગામડાઓ સુધી બાળકોને ઉત્તમ આરોગ્યલક્ષી સેવાઓ પહોંચાડવામાં આવી રહી છે. આ જ યોજના થકી વાંકાનેર તાલુકાના તિથવા ગામના એક બાળકને જન્મજાત બધિરતાની (સાંભળવાની) ખામીમાંથી મુક્તિ અપાવી નવજીવન બક્ષવામાં આવ્યું છે.વાંકાનેર તાલુકાના પંચાસીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા તિથવા ગામના લાભાર્થી મોહમ્મદ અર્શયાન ફિરોજભાઈ બાદી નામના બાળકને જન્મથી જ સાંભળવામાં તકલીફ હતી. અગાઉ તા. 29-05-2024 ના રોજ આંગણવાડીની મુલાકાત દરમિયાન RBSK ના મેડિકલ ઓફિસર ડો. રવિરાજ મકવાણા અને ડો. મહેજબીન ગઢવાળાએ બાળકની પ્રાથમિક તપાસ કરી હતી. આ તપાસમાં બાળકમાં જન્મજાત બધિરતા (Congenital Deafness) હોવાની શંકા જણાતા તેને વધુ તપાસ અને સારવાર માટે રાજકોટની પી.ડી.યુ. (સિવિલ) હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો હતો.શરૂઆતના તબક્કે બાળકના વાલીઓએ ખાનગી હોસ્પિટલમાં પણ તપાસ કરાવી હતી, જ્યાં પણ આ જ નિદાન થયું હતું અને સારવારનો મસમોટો ખર્ચ જણાવવામાં આવ્યો હતો. આર્થિક રીતે મૂંઝાયેલા પરિવારે ફરી RBSK મેડિકલ ટીમનો સંપર્ક કર્યો હતો. ટીમના માર્ગદર્શન હેઠળ રાજકોટ પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે બાળકની જરૂરી આરોગ્ય તપાસ નિઃશુલ્ક કરવામાં આવી હતી.ત્યારબાદ વધુ સારવાર અને સર્જીકલ ઓપરેશન માટે બાળકને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરાયો હતો. જ્યાં તબીબો દ્વારા વાલીઓને પૂરતું માર્ગદર્શન આપીને તાજેતરમાં ગત તા. 18-08-2026 ના રોજ બાળકનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું.સરકારની આ યોજના હેઠળ સમગ્ર સારવાર તદ્દન નિઃશુલ્ક કરવામાં આવતા પરિવારને મોટી આર્થિક રાહત મળી છે. હાલ બાળક સંપૂર્ણપણે તંદુરસ્ત અને સ્વસ્થ છે. આગામી તબક્કામાં બાળકને બોલતા શીખવવા માટે જરૂરી સ્પીચ થેરાપીની સારવાર પણ આપવામાં આવશે. RBSK ટીમના આ નિષ્ઠાવાન પ્રયાસથી બાળકના જીવનમાં હકારાત્મક અને કાયમી પરિવર્તન આવ્યું છે.#Morbi #MorbiNews #MorbiUpdate #Wankaner #Tithwa #RBSK #HealthCare #GujaratGovt #FreeTreatment #CongenitalDeafness