મોરબી : મોરબી શહેરની પંચાસર ચોકડી નજીક ધુતારીના નાલા પાસે ટ્રક ચાલકે એક્ટિવાને પાછળથી ટક્કર મારતા એક્ટિવા પર જઇ રહેલ વૃદ્ધ દંપતી રોડ પર પટકાયું હતું. અકસ્માતમાં પતિ-પત્નીને ઇજાઓ થતાં રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ટ્રક ચાલક અકસ્માત બાદ ફરાર થઈ ગયો હતો.અકસ્માતના બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના કામધેનુ પાર્ટી પ્લોટ પાસે ડીવાઇન પાર્કમાં રહેતા અનસોયાબેન રણછોડભાઈ દેત્રોજા ઉ.62 નામના મહિલાએ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.20ના રોજ બપોરમાં સમયે તેઓ તેમના પતિ રણછોડભાઈ દેત્રોજા ઉ.68 સાથે એક્ટિવા નં. જીજે-03-ઈજી-6228 પર વાવડી ગામે જઈ રહ્યા હતા ત્યારે પંચાસર ચોકડી નજીક ધુતારીના નાળા પાસે પાછળથી આવેલા ટ્રક નં. એચઆર-38- એએલ -1230ના ચાલકે પાછળથી એક્ટિવાને ટક્કર મારતા બન્ને નીચે પટકાઈ ગયા હતા. જેમાં અનસોયાબેનને બન્ને હાથની કોણીના ભાગે મૂઢ ઇજા થઈ હતી, જ્યારે રણછોડભાઈને માથામાં ઇજા થતાં મોરબીની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટની સિનેર્જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક લઈને નાસી ગયો હતો. અકસ્માતના બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અનસોયાબેનની ફરિયાદને આધારે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.