અન્ય એક શખ્સનું નામ ખુલતા તેની પણ શોધખોળ : પોલીસે રૂ.80 હજારનો મુદામાલ જપ્ત કર્યોમોરબી : મોરબીના ઘુટુ નજીક આવેલ આઈટીઆઈ પાછળ એસી અને ફ્રીઝ રિપેરિંગની દુકાનને નિશાન બનાવી તસ્કરોએ લોખંડની બારીના સળિયા તોડી દુકાનમાં પ્રવેશ કરી અંદાજે ૧૦૦ કિલો કોપર વાયર કિમત રૂપિયા ૧.૮૦ લાખની ચોરીને અંજામ આપતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે આ બનાવમાં 3 તસ્કરોને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. હળવદ તાલુકાના સમલી ગામે રહેતા અને ઘુટુ આઈટીઆઈ પાછળ ડાયમંડ રેફ્રિજરેશન નામની દુકાન ધરાવતા કૌશીકભાઈ ત્રીભોવનભાઈ પટેલે તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, ગત તા.૨૨ના રોજ રાત્રે આશરે સાડા આઠ વાગ્યે દુકાન બંધ કરી તેઓ ઘરે ગયા હતા. ત્યારબાદ બે દિવસ બાદ તા.૨૫/૦૮ના રોજ દુકાને પહોંચતા પાછળની લોખંડની બારીના સળિયા તૂટેલા જોવા મળ્યા હતા. જેમાં તસ્કરોએ બારીના સળિયા તોડી દુકાનમાં પ્રવેશ કરી કબાટમાં રાખેલા નવા કોપર વાયરના ફીંડલા તથા કામમાં ઉપયોગમાં લેવાતા નાના-મોટા કોપર વાયરના ટુકડા મળી અંદાજે ૧૦૦ કિલો કોપર વાયર કિમત રૂપિયા ૧,૮૦,૦૦૦ ચોરી કરી ગયા હતા. આ મામલે તાલુકા પોલીસની ટીમે તપાસ શરૂ કરી હતી. જે અંગે બાતમીના આધારે ઘુંટુ ગામની સીમમાં આઈ.ટી.આઈ. ની બાજુમાં આવેલ ઝાડીઓમાંથી આરોપીઓને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.ઝડપાયેલા આરોપીઓમાં મફતીયાપરા, કુળદેવી પાન પાસે રહેતા રાકેશભાઈ ભુપતભાઈ શહેરા, ઘુંટુ આઈ.ટી.આઈ. પાછળ રહેતા રાજુભાઈ સવસીભાઈ દેલવાડીયા (મૂળ ગામ સરવડ) અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકીશોરનો સમાવેશ થાય છે. આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક આરોપી જયેશભાઈ ઉર્ફે ભાણો ચમનભાઈ કુંઢીયા (રહે. આઈ.ટી.આઈ. પાછળ, ઘુંટુ) હજુ ફરાર છે જેને પકડવાની કવાયત પોલીસે હાથ ધરી છે. આ ઓપરેશન દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી 80 કિલોગ્રામ વજનનો શુદ્ધ કોપર વાયર છે અને રોકડા રૂપિયા મળીને કુલ રૂપિયા 80000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ. ઘેટીયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.એસ. સોંદરવા અને તેમની સર્વેલન્સ ટીમ દ્વારા કરવામાં આવી છે.