ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ માર્કેટમાં મંદીને પગલે સીરામીક ઈન્ડસ્ટ્રીઝની સાયકલ ટકાવી રાખવા પ્રયાસ : નીચાભાવે સોદા થતા અન્ય ઉદ્યોગકારો ચિંતિત મોરબી : મિડલ ઇસ્ટમાં તણાવભરી સ્થિતિ વચ્ચે ગેસના ભાવમાં વધારો થતાવિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબી સીરામીક ક્લસ્ટર દ્વારા તમામ ટાઇલ્સ અને સેનેટરીવેર્સ પ્રોડક્ટમાં મેં-જૂન માસમાં ભાવ વધારો કરી તમામ ઉદ્યોગકારોને નક્કી કરેલા ભાવથી જ ટાઇલ્સ વેચાણ કરવા નક્કી કર્યું હતું.જો કે, ભાવ વધારાના ત્રણ મહિનામાં જ ભાવ વધારાનો ફુગ્ગો ફૂટી ગયો છે, ગેસના અલગ -અલગ ભાવ અને ડોમેસ્ટિક-ઇન્ટરનેશનલ માર્કેટમાં મંદીને પગલે સીરામીક ઉદ્યોગકારોએ ઉદ્યોગને ટકાવી રાખવા અને પ્રોડક્શન સાયકલ ટકાવી રાખવા ભાવ વધારો એક બાજુ મૂકી ડિસ્કાઉન્ટ આપવાનું શરૂ કર્યું છે. જો કે, ડિસ્કાઉન્ટના સિનારિયો વચ્ચે ઉધોગકારોમાં ચર્ચાતી વિગત મુજબ તાજેતરમાં એક મોટાગજાના ઉદ્યોગકાર દ્બારા પડતર કિંમતે 125 જેટલા કન્ટેનર ટાઇલ્સનો સોદો કરી નાખતા આ સોદાથી સીરામીક જગત ચોકી ગયું છે, કારણ કે આવા ભાવે સોદા થવાથી ભવિષ્યમાં અન્ય ટ્રેડર્સ અને વેપારીઓ પણ સીરામીક ઉત્પાદક પાસે મંદીનો ફાયદો લઈ માર્કેટ ખરાબ કરી શકે છે.ઈરાન પર અમેરિકા અને ઈઝરાઈલ દ્વારા ફેબ્રુઆરી મહિનામાં કરવામાં આવેલ હુમલા બાદ પેટ્રોલિયમ પેદાશ અને ગેસની અછત સર્જાયા બાદ ગેસના ભાવમાં તોતિંગ ભાવ વધારો થતા મોરબી સીરામીક એસોશિએશન દ્વારા વોલ, ફ્લોર, જીવીટી, પીજીવીટી સહિતના ટાઈલ્સના તમામ સેગમેન્ટમાં મેં-જૂન મહિનામાં બે વખત ભાવ વધારો કરવામાં આવ્યો હતો. સાથે જ સેનેટરીવેર્સ ઉત્પાદકોએ પણ ગેસના ભાવમાં થયેલા ભાવ વધારાને પગલે ભાવ વધારો કર્યો હતો. જો કે, મોરબી સીરામીક એસોશિએશન દ્વારા અમલી બનાવાયેલ ટાઈલ્સના ભાવ વધારાની અસર માત્ર જૂન - જુલાઈ પૂરતી જ સીમિત રહી હતી. કારણ કે, ડોમેસ્ટિક માર્કેટમાં મંદીની સાથે જ મિડલ ઈસ્ટ, રેડ સી, અને રશિયા યુક્રેન યુદ્ધ સહિતના પરિબળોને પગલે ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ ઘટી જતા જ મોરબીના સીરામીક ઉદ્યોગકારો મંદીમાં ટકી રહેવા અને ગ્રાહકો અંકે કરવા માટે ભાવવધારો એક બાજુ મૂકી ગ્રાહકોને સાચવવા છાનેખૂણે ડિસ્કાઉન્ટ ઓફર કરી માલ વેચાણ કરવાનું શરૂ કર્યું હતું.બીજીતરફ તાજેતરમા મોરબીના મોટાગજાના ઉદ્યોગકારે ડિસ્કાઉન્ટ ભાવને પણ ટક્કર મારે તેવો રૂ.24.25 પૈસાના પડતર કિંમત કહી શકાય તેવા ભાવે 125 જેટલા કન્ટેનર ટાઇલ્સ વેચાણનો સોદો કરતા સીરામીક જગતમાં ખળભળાટ મચી ગયો છે. જો કે, કોઈપણ ઉદ્યોગકાર કે ટ્રેડર્સ કોઈપણ ભાવે સોદો કરે તેમાં કોઈને લેવા દેવા હોતા નથી પરંતુ મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીઝ દ્વારા દરેક ઉદ્યોગકારો માટે નક્કી કરાયેલા ભાવથી પણ નીચા ભાવે સોદો થતા હવે અન્ય વેપારીઓ અને ટ્રેડર્સ પણ મંદીના નામે અન્ય ઉદ્યોગકારો પાસેથી નીચા ભાવની આશા રાખે તે સ્વાભાવિક બનતા સીરામીક ઉદ્યોગકારોમાં આવી નીતિથી કચવાટ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે,મોરબીના ઇતિહાસમાં જુલાઈ મહિનામાં એક જ ઉદ્યોગ માટે રૂ.69થી લઇ 89 સુધીના ચાર ભાવ અમલમાં આવતા જે -જે ઉદ્યોગકારોને સસ્તાભાવે ગેસ મળ્યો તેમને સસ્તાભાવે માલ ફેંકવાની નીતિ અખત્યાર કરી હોવાનું પણ સૂત્રો ઉમેરી રહ્યા છે.