રામપર (નવા નાગડાવાસ) ખાતે સુંદરી ભવાની માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા: 6 લાખથી વધુના સોના-ચાંદીના દાગીનાની ચોરીમંદિરના ગર્ભગૃહના નકુચા તોડીને ચાંદીની મૂર્તિ, સોના-ચાંદીના છતર, મુગટ અને નથડીની ઉઠાંતરીમોરબી અપડેટ : મોરબી તાલુકાના રામપર (નવા નાગડાવાસ) ગામે આવેલા શ્રી સુંદરી ભવાની માતાજીના મંદિરમાં મોડી રાત્રે તસ્કરોએ ત્રાટકીને લાખો રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીના અને મૂર્તિની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.ફરિયાદમાં જણાવ્યા અનુસાર, મૂળ જૂના નાગડાવાસના વતની અને હાલ રાજકોટ રહેતા મૌલિકભાઈ કરશનભાઈ રાઠોડ (ઉ.વ. 42) એ નોંધાવેલી ફરિયાદ મુજબ, રામપર ગામે તેમના કુળદેવી શ્રી સુંદરી ભવાની માતાજીનું મંદિર આવેલું છે, જેનું સંચાલન શ્રી સુંદરી ભવાની મા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. મૌલિકભાઈ આ ટ્રસ્ટમાં ઉપપ્રમુખ તરીકે સેવા આપે છે.ગત તારીખ 26 ઓગસ્ટ 2026 ના રાત્રિના 9 વાગ્યાથી 27 ઓગસ્ટ 2026 ની સવારના 6 વાગ્યાના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ મંદિરના પરિસર અને ગર્ભગૃહના દરવાજાના નકુચા તોડીને અંદર પ્રવેશ કર્યો હતો.27 ઓગસ્ટની સવારે 6:15 વાગ્યાની આસપાસ જ્યારે મંદિરના પુજારી પૂજાપાઠ અને આરતી કરવા ગયા ત્યારે ગર્ભગૃહમાં માતાજીની મૂર્તિ પર ચડાવેલા દાગીના ગાયબ હોવાનું જણાયું હતું. પુજારીએ ટ્રસ્ટના પ્રમુખને જાણ કરી અને ત્યારબાદ મૌલિકભાઈને જાણ કરવામાં આવતા તેઓ તાત્કાલિક મંદિરે પહોંચ્યા હતા.ચોરાયેલલો મુદ્દામાલ* એક ચાંદીનું મોટું છતર (કિંમત રૂ. 1,80,000)* એક ચાંદીની માતાની મૂર્તિ (કિંમત રૂ. 75,000)* એક ચાંદીનો મોટો મુગટ (કિંમત રૂ. 1,00,000)* એક નાનો ચાંદીનો મુગટ (કિંમત રૂ. 30,000)* સિંહના ચાંદીના તોડા/કડા - 4 નંગ (કિંમત રૂ. 65,000)* માતાજીના હાથના ચાંદીના તોડા/કડા - 2 નંગ (કિંમત રૂ. 40,000)* ચાંદીના અન્ય 3 છતર (કિંમત રૂ. 4,500)* એક સોનાનો તિલાટ (કિંમત રૂ. 30,000)* માતાજીની સોનાની નથડી - 1 નંગ (કિંમત રૂ. 35,000)* રોકડા રૂ. 2,500આમ, તસ્કરો કુલ મળીને રૂ. 5,62,000 ની કિંમતના દાગીના અને રોકડ સહિત કુલ રૂ. 6,02,500 નો મુદ્દામાલ ચોરી ગયા છે. આ મામલે મૌલિકભાઈની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ પોલીસ ઈન્સ્પેક્ટર નિલેશ સવજીભાઈ ઘેટીયા ચલાવી રહ્યા છે.#Morbi #MorbiNews #MorbiUpdate #TempleTheft #NavaNagdawas #MorbiPolice #CrimeNews #GujaratPolice