તસ્કરોએ કબાટનું લોક તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ લઈ ફરારવાંકાનેર : વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી અપપ્રવેશ કરી ઘરમાં રહેલા કબાટના લોક તોડી સોના-ચાંદીના દાગીના તથા રૂ.૧૦ હજાર રોકડ મળી કુલ રૂ.૧.૬૦ લાખની માલમતા ચોરી કરી જતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે નવા પ્લોટ વિસ્તારમાં કુમાર શાળાની બાજુમાં રહેતા ઉસ્માનગનીભાઈ મહમદભાઈ માથકીયા ઉવ.૫૨ એ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.૨૪ના રોજ સવારે તેઓ ખેતીકામ માટે વાડીમાં ગયા હતા. ત્યારબાદ તેમનો પુત્ર નોકરી પર ગયો હતો અને પત્ની તથા પુત્રી પણ વાડીએ આવ્યા હતા. અને સવારે આશરે નવેક વાગ્યે પુત્ર ઘરેથી તાળું મારી નોકરી પર ગયો હતો. જે બાદ બપોરે આશરે ૧૧.૪૫ વાગ્યે ફરિયાદીની પત્ની અને પુત્રી ઘરે પરત ફરતાં મકાનના દરવાજાનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું. જેથી ઘરમાં તપાસ કરતા રૂમમાં સામાન વેરવિખેર હતો અને કબાટનું લોક પણ તૂટેલું હતું. કબાટમાંથી સોનાની હાંસડી, સોનાની પહોચી, વીંટી, કાનના એરિંગ, સોનાની સેર સહિતના દાગીના તથા ચાંદીના સાંકળા અને વીંટી મળી આશરે રૂ.૧.૫૦ લાખના દાગીના તેમજ રૂ.૧૦ હજાર રોકડ મળી કુલ રૂ.૧.૬૦ લાખની માલમતા ચોરાઈ હોવાનું સામે આવ્યું હતું. બનાવ અંગે હાલ વાંકાનેર તાલુકા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ઘરફોડી અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.