સ્ટાફની ઘટ નિવારવા SSIની મંજુર 32 જગ્યાઓ પૈકી 22 જગ્યાની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાઈમોરબી : મોરબી શહેરમાં છેલ્લા ઘણા સમયથી સફાઈ વ્યવસ્થા જાણે પાટા પરથી ઉતરી ગઈ હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, ત્યારે હવે મહાનગરપાલિકા દ્વારા સફાઈ વ્યવસ્થાને ફરી સુચારુ કરવા કમર કસવામાં આવી છે. શહેરમાં સ્વચ્છતા વ્યવસ્થા યોગ્ય રીતે જળવાય તે માટે સ્ટાફની ઘટ પૂરી કરવા મહાનગરપાલિકા દ્વારા ખાસ પગલાં લેવામાં આવ્યા છે. જેમાં સેનેટરી સબ ઇન્સ્પેક્ટર (SSI) એપ્રેન્ટિસની કુલ મંજુર 32 જગ્યાઓ પૈકી 22 જગ્યાઓ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી ભરી લેવામાં આવૈ છે . આ તમામ કર્મીઓ જેમ-જેમ હાજર થતા જાય છે તેમ તેમને વિવિધ વિસ્તારોમાં ફરજ સોંપવામાં આવી રહી છે. હાલ શહેરમાં 500 થી વધુ સફાઈ કર્મચારીઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે, જેથી સ્ટાફના અભાવે ખોરંભે ચડેલી કામગીરીને ફરી ગતિ આપી શકાય.શહેરની વર્તમાન કચરા નિકાલ વ્યવસ્થાની વાત કરીએ તો મોરબીમાંથી દરરોજ અંદાજે 85 ટન જેટલો કચરો એકત્રિત કરવામાં આવી રહ્યો છે. શહેરમાં હાલ 7 જેટલા જીવીપી (ગાર્બેજ વલ્નરેબલ પોઇન્ટ) આવેલા છે. કચરાના નિયમિત કલેક્શન માટે ડોર-ટુ-ડોર કલેક્શનમાં 37 ટ્રેક્ટર દ્વારા શહેરના 2000 જેટલા વિવિધ સ્થળોએથી કચરો ઉપાડવામાં આવે છે. આ ઉપરાંત જીવીપી પોઈન્ટ્સ માટે 31 ટ્રેક્ટર અને કોર્પોરેશનના પોતાના 15 ટ્રેક્ટર મળીને યુદ્ધના ધોરણે કચરો ઉપાડવાની કામગીરી ચાલી રહી છે. આ સમગ્ર સફાઈ વ્યવસ્થાનું રિયાલિટી ચેક કરવા મહાનગરપાલિકાના કમિશનર તેમજ સેનિટેશન વિભાગના ચેરમેન અને અધિકારીઓ દ્વારા દિવસ તેમજ રાત્રિ દરમિયાન સફાઈનું સીધું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. કમિશનરે સ્પષ્ટ જણાવ્યું છે કે મોરબીને સ્વચ્છ બનાવવા માટે જે પણ પગલાં લેવા પડશે તે લેવાશે અને સ્વચ્છતા બાબતે કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવાશે નહીં, તેમજ જાહેર સ્થળોએ ગંદકી ફેલાવનારાઓ સામે પણ હવે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.અત્રે નોંધનીય છે કે અગાઉ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા પણ સ્વચ્છતા બાબતે કડક ટકોર કરવામાં આવી હતી, જેના પગલે મોરબી મહાનગરપાલિકા દ્વારા સફાઈ ઝુંબેશને વધુ સઘન બનાવવામાં આવી છે. જોકે, તંત્ર પાસે આટલો મોટો સ્ટાફ અને સંસાધનો ઉપલબ્ધ હોવા છતાં શહેરના ઘણા વિસ્તારોમાં હજુ પણ કચરાના ઢગલા અને ધૂળની ડમરીઓ યથાવત જોવા મળે છે. સામાન્ય રીતે મોટા નેતાઓની મુલાકાત વખતે જેવી ઝુંબેશ જોવા મળે છે તેવી નિયમિત સફાઈ બાદમાં જળવાતી નથી તેવી નાગરિકોમાં ફરિયાદ ઉઠી રહી છે. ત્યારે હવે મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી આ કવાયત કેટલા દિવસ સુધી નિયમિત ચાલે છે અને મોરબી ખરેખર ક્યારે ગંદકીમુક્ત તેમજ રળિયામણું અને સુંદર બને છે તેના પર શહેરવાસીઓની મીટ મંડાયેલી છે.