પરિવારજનો દ્વારા વ્યાપક શોધખોળ બાદ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરીયાદ નોંધાવીમોરબી : મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ કારખાનાની લેબર કોલોનીમાંથી સગીર વયની પરપ્રાંતીય શ્રમિકની પુત્રી ગુમ થતાં પરિવારે અપહરણની આશંકા વ્યક્ત કરી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હાલ મોરબી તાલુકા પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી અલગ અલગ દિશામાં તપાસની તજવીજ શરૂ કરી છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી ગ્રામ્ય વિસ્તારમાં કારખાનામાં કામ કરતા અને અહીં જ લેબર કોલોનીમાં રહેતા પરપ્રાંતીય શ્રમિક પરિવાર ગત તા.૧૧ના કામ માટે બહાર ગયા હતા.તે દરમિયાન દરમિયાન બપોરના સમયે પરિવારની ૧૩ વર્ષની સગીરા લેબર કોલોનીમાંથી ક્યાંક જતી રહી હોવાનું જાણવા મળતાં માતા-પિતા અને સંબંધીઓએ કોલોની તેમજ આસપાસના વિસ્તારોમાં શોધખોળ શરૂ કરી હતી. પરિવારજનો દ્વારા સગા વ્હાલાને ત્યાં તપાસ કરવામાં છતાં સગીરાનો કોઈ પત્તો મળ્યો ન હતો. સગીરા ઘરેથી નીકળી તે વખતે લાલ રંગની સાડી, કાળા રંગનું બ્લાઉઝ અને ચણીયો પહેરેલ હતું. હાલ પરિવારની શોધખોળ છતાં સગીરા ન મળતાં કોઈ અજાણ્યો શખ્સ તેનું અપહરણ કરી લઈ ગયો હોવાની આશંકાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા આરોપી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.