ચાલુ લાઈને હેવી ટેન્શન વાયર તૂટી પડતા ખેતરમાં ઉભેલા પાક અને ઇલેક્ટ્રિક ઉપકરણોને ભારે નુકસાન: જવાબદાર અધિકારીઓ સામે ગુનો દાખલ કરી વળતર અપાવવા ખેડૂતોની માંગહળવદ (મોરબી અપડેટ) : હળવદ તાલુકાના સરંભડા ગામની સીમમાં પસાર થતી 220 KV જેટકો (GETCO) ટ્રાન્સમિશન લાઇનનો તાર અચાનક તૂટી પડવાની ઘટનામાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ગંભીર બેદરકારીને પગલે અસરગ્રસ્ત ખેડૂતોએ હળવદ પોલીસ મથકમાં જેટકો કંપનીના પ્રોજેક્ટ હેડ, એન્જિનિયર અને મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અને નુકસાનીનું વળતર અપાવવા લેખિત ફરિયાદ નોંધાવી છે.હળવદ પોલીસ મથકે આપવામાં આવેલી લેખિત ફરિયાદમાં મોરબીના આલાપ પાર્કમાં રહેતા અને સરંભડા ગામે ખેતીની જમીન ધરાવતા ખેડૂત દિલીપભાઈ જેઠાભાઈ પાંચોટીયાએ જણાવ્યું છે કે, ગત તા. 24/08/2026 ના રોજ સવારે 9:30 વાગ્યાની આસપાસ સરંભડા ગામના સર્વે નંબર 51 માંથી પસાર થતી વીજ કંપનીની 220 KV હાઈ-ટેન્શન લાઈનનો તાર અચાનક ભયાનક અવાજ અને સ્પાર્કિંગ સાથે તૂટીને તેમના ખેતરમાં પડ્યો હતો. આ સમયે ખેતરમાં ખેડૂતો અને મજૂરો હાજર હતા, સદનસીબે તેઓનો આબાદ બચાવ થતા મોટી જાનહાનિ ટળી હતી. પરંતુ વાયર પડવાથી ખેતરમાં ઉભેલા પાક, જમીન અને સિંચાઈના સાધનોને ભારે નુકસાન થયું છે.ખેડૂતોનો આક્ષેપ છે કે આટલી મોટી ક્ષમતાની ટ્રાન્સમિશન લાઈનમાં વપરાયેલું મટિરિયલ અત્યંત હલકી ગુણવત્તાનું છે અને તેનું નિયમિત મેન્ટેનન્સ કે ટેસ્ટિંગ કરવામાં આવતું નથી. વીજ કંપની અને કોન્ટ્રાક્ટર દ્વારા સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (CEA) ના સુરક્ષા માપદંડોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. અગાઉ ખેતરમાં થાંભલા નાખવામાં આવ્યા ત્યારે પણ કોરિડોરનું કોઈ વળતર ચૂકવવામાં આવ્યું ન હતું.દિલીપભાઈ ઉપરાંત આસપાસના અન્ય ખેડૂતોના ખેતરોમાં પણ નુકસાન થયું છે. જેમાં સર્વે નં. 70 ના ખાતેદાર ભરવાડ દેવશીભાઈ ભોળાભાઈ, સર્વે નં. 72 ના ભરવાડ કરશનભાઈ સામતભાઈ, ઇશ્વરભાઈ હરિભાઈ પટેલ, રતલાલભાઈ માંડણભાઈ પટેલ (સર્વે નં. 44), રાકેશભાઈ રતલાલભાઈ (સર્વે નં. 45) અને ગીતાબેન રતલાલભાઈ (સર્વે નં. 46) ના ખેતરોમાં પણ પાક અને ઇલેક્ટ્રિક ઉપકરણો બળીને ખાખ થઈ ગયા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.અસરગ્રસ્ત ખેડૂતોએ હળવદ પોલીસ, મામલતદાર અને સરકારી ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર (CEI) દ્વારા તાત્કાલિક સ્થળ પંચનામું કરી રિપોર્ટ તૈયાર કરવાની માંગ કરી છે. આ સાથે જ માનવ જીવનને જોખમમાં મૂકવા સબબ બેદરકાર કંપની અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ગુનો નોંધી તમામ ખેડૂતોને પાક અને સાધન-સામગ્રીના નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠાવવામાં આવી છે.#Morbi #MorbiNews #MorbiUpdate #Halvad #Sarambhada #GETCO #FarmersIssue #PowerLineDanger #GujaratFarmers #AgricultureNews