પ્રોડક્શન સાયકલ જાળવી રાખવા માટે 5થી 15 ટકા સુધીના ડિસ્કાઉન્ટમાં બિઝનેશ : જીવીટી એક માત્ર સેગમેન્ટમાં ડિમાન્ડ જળવાઈ મોરબી : વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સીરામીક ક્લસ્ટર મોરબીમાં ગેસના અલગ -અલગ ચાર ભાવને કારણે સીરામીક ઉદ્યોગકારોને માર પડયો છે, જો કે, સસ્તા ભાવે ગેસ મેળવનાર ઉદ્યોગકારો મંદીના સમયમાં પોતાની પ્રોડક્શન સાયકલ જાળવી રાખવા હાલમાં 5થી 15 ટકા સુધીના ડિસ્કાઉન્ટ રેઇટમાં પણ બિઝનેશ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.મહત્વનું છે કે, રો-મટીરીયલ અને ગેસના ભાવને લઈ સીરામીક ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તાજા ભૂતકાળમાં જ 20 ટકા સુધીનો ભાવ વધારો અમલી બનાવ્યો હતો.મિડલ ઇસ્ટમાં અશાંત અને તણાવભરી સ્થિતિમાં ઇન્ટરનેશનલ માર્કેટમાં સીરામીક પ્રોડ્કટની માંગમાં ઘટાડો થવાની સાથે જ હાલમાં ડોમેસ્ટિક માર્કેટમાં પણ ડિમાન્ડ ઘટી છે. બીજી તરફ ગત મહિને મોરબી સીરામીક ક્લસ્ટરમાં નેચરલ ગેસના ત્રણ અલગ -અલગ ભાવને કારણે સીરામીક ઉદ્યોગને હાલમાં ભારે મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે. જો કે, નેચરલ ગેસની તુલનાએ હાલમાં સીરામીક ઉદ્યોગકારોને પ્રોપેન 20 રૂપિયાના નીચા ભાવે મળી રહ્યો હોવાથી ઘટતી ડિમાન્ડ વચ્ચે પણ સીરામીક ફેકટરીઓ પોતાની રૂટિન સાયકલ જાળવી રાખવા પ્રોડક્શન કરી રહી છે. મહત્વનું છે કે,ગુજરાત ગેસના ઉંચા ભાવને કારણે નેચરલ ગેસની ડિમાન્ડ ચાલુ માસે ઘટીને 25થી 30 લાખ ક્યુબિક મીટર પહોંચી ગઈ છે.સાથે જ દર મહિને 25 તારીખની આજુબાજુમાં ઉદ્યોગકારો પાસેથી એડવાન્સ ડિમાન્ડ મેળવતી ગુજરાત ગેસ કંપનીએ આગામી માસ માટે હજુ સુધી ડિમાન્ડ પણ મેળવી ન હોવાનું સામે આવ્યું છે.ઉલ્લેખનીય છે કે, ઇન્ટરનેશનલ માર્કેટની સાથે જ ડોમેસ્ટિક માર્કેટમાં પણ સુસ્તી દેખાવા લાગતા મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પોતાના એકમો ચાલુ રાખવા માટે હાલમાં અલગ-અલગ કેટેગરીમાં ટાઈલ્સના ભાવમાં ડિસ્કાઉન્ટ ચાલુ કરી દીધા હોવાનું ટોચના સૂત્રો જણાવી રહ્યા છે. તાજા ભૂતકાળમાં સીરામીક ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ગેસના ભાવને કારણે બે વખત ક્રમશઃ ટાઈલ્સના ભાવમાં વધારો કર્યા બાદ હાલમાં ડિમાન્ડ ઘટી જવાથી સીરામીક ઉદ્યોગને ટકાવવા તેમજ પ્રોડક્શન સાયકલ જાળવવા માટે ઉદ્યોગકારો દ્વારા પેમેન્ટ કન્ડિશન અને 5 થી લઈ 15 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.એક માત્ર જીવીટી ટાઇલ્સમાં ડિમાન્ડ જળવાયેલી મોરબી સીરામીક ક્લસ્ટરમાં વોલ, ફ્લોર, વિટ્રિફાઇડ, સ્લેબ, જીવીટી, પીજીવીટી સહિતની અનેક પ્રોડક્ટ્નું ઉત્પાદન થાય છે જેમાં હાલમાં ઇન્ટરનેશનલ માર્કેટ તેમજ ડોમેસ્ટિક માર્કેટમાં ડિમાન્ડ ઘટી છે.જો કે, અન્ય પ્રોડ્કટની તુલનાએ એક માત્ર જીવીટી એકમો રાબેતા મુજબ ધમધમી રહ્યા છે.ખાસ કરીને બે ફૂટ બાય ચાર ફૂટની જીવીટી ટાઇલ્સની ખપત હજુ પણ યથાવત હોય મોરબી સીરામીક ક્લસ્ટરમાં આવેલ 150થી જીવીટી એકમો હાલમાં મંદી જેવા સમયમાં પણ દબદબો જાળવી પ્રોડક્શન ચાલુ રાખ્યું છે.ગેસના ભાવ આધારિત બન્યું સીરામીક ઇન્ડસ્ટ્રીઝનું ભાવિ મિડલ ઈસ્ટની અશાંત પરિસ્થિતિમાં ગેસના ભાવ વિક્રમી સ્તરે પહોંચી જતા સીરામીક ટાઈલ્સના ભાવમાં પણ ગેસની કિંમતો મુજબ વધારો કરાયો હતો.બીજીતરફ હવે મિડલ ઈસ્ટની સ્થિતિ થાળે પડવાની સાથે અમેરિકાથી ગેસની આયાત ચાલુ થતા ગેસનો પુરવઠો સ્થિર થયો છે.જો કે, નેચરલ ગેસના ભાવમાં ગુજરાત ગેસ દ્વારા અસહ્ય વધારો કરવામાં આવતા હાલમાં મોટાભાગના સીરામીક એકમો પ્રોપેન તરફ વળ્યાં છે. નેચરલ ગેસના ભાવમાં વધારાને પગલે હાલમાં ગુજરાત ગેસની ડિમાન્ડ ઘટી ગઈ છે, ગત મહિને 85 લાખ ક્યુબીક મીટરના દૈનિક વપરાશ સામે ચાલુ માસમાં નેચરલ ગેસની ડિમાન્ડ ઘટીને 27થી 30 લાખ ક્યુબિક મીટર થઇ છે જેની સામે નેચરલ ગેસથી રૂ.20 સસ્તા મળતા પ્રોપેનની દૈનિક ખપત 50 લાખ ક્યુબિક મીટરને પાર કરી ગઈ હોવાનું સામે આવ્યું છે.એકંદરે હવે સીરામીક ઉદ્યોગ ગેસની કિંમત આધારિત બની ગયો હોય ઉદ્યોગને ટકાવી રાખવા ગેસના ભાવમાં થતો ફાયદો સીરામીક ઇન્ડસ્ટ્રીઝ સીધા જ ટ્રેડરને આકર્ષવા ઉપયોગ કરી રહ્યા છે.