મોરબી અપડેટ: તહેવારો અને લોકમેળાની ભીડમાં બાળકો ગુમ થવાના બનાવો અટકાવવા અને તકેદારી રાખવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા અપાયેલી સૂચનાના પગલે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે રમવા ગયેલા અને ગુમ થયેલા 4 બાળકોને ગણતરીના કલાકોમાં જ શોધી કાઢી તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર, 25 ઓગસ્ટના રોજ સવારે 10:00 વાગ્યે રમેશભાઈ મનીભાઈ સાંથળીયા (ઉ.વ. 55, રહે. ઘુંટુ રોડ, ITI સામે, પાણીના ટાંકા પાસે ઝુપડામાં, મોરબી-2) એ સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આવીને જાણ કરી હતી કે તેમની 2 સગીર દીકરીઓ અને 1 સગીર દીકરો તથા તેમની બાજુમાં રહેતા સંગીતાબેનની 1 સગીર દીકરી એમ કુલ 4 બાળકો રમવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા અને ત્યારબાદ પાછા ફર્યા ન હતા.આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈને સીટી બી ડીવીઝનના પોલીસ ઇન્સ્પેક્ટર જે. ડી. સરવૈયાએ તાત્કાલિક અલગ-અલગ 3 ટીમો બનાવી હતી. આ ટીમોએ વિવિધ જગ્યાઓના CCTV ફૂટેજ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બાળકો મહેન્દ્રનગર ચોકડીથી રિક્ષામાં બેસીને જૂના બસ સ્ટેન્ડ તરફ જતા હોવાનું CCTV ફૂટેજમાં જોવા મળ્યું હતું. આ ફૂટેજના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ ચારેય બાળકોને સહીસલામત હાલતમાં શોધી કાઢ્યા હતા અને તેઓને તેમના માતા-પિતાને સોંપી દીધા હતા.આ સફળ કામગીરી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા (કચ્છ બોર્ડર રેન્જ), પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલ (મોરબી જિલ્લા), અને નાયબ પોલીસ અધિક્ષક જે. એમ. આલ (મોરબી વિભાગ) ના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર જે. ડી. સરવૈયા, લગધીર બીટ પોલીસ સ્ટાફ અને સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.#Morbi #MorbiUpdate #MorbiPolice #MorbiNews #GujaratPolice #MissingChildrenFound #MorbiCityBDivision