પોલીસ ટિમ સ્થળ ઉપર હાજર હોવાથી તુરંત બધા બાળકોને બહાર કાઢી લીધા : બસ ટંકારાની આર્ય વિદ્યાલયની હોવાની પ્રાથમિક માહિતી : બસ સળગીને ખાખ થઈ ગઈમોરબી અપડેટ: મોરબી-રાજકોટ હાઇવે પર ટંકારા તાલુકાના મિતાણા ગામના બ્રિજ પાસે બપોરે એક મોટી દુર્ઘટના સામે આવી છે, જેમાં એક સ્કૂલ બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જોકે, પોલીસની સમયસૂચકતા અને ત્વરિત કાર્યવાહીના કારણે બસમાં સવાર તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવતા મોટી જાનહાનિ ટળી છે.ઘટનાની પ્રાથમિક વિગતમળતી માહિતી મુજબ, ટંકારાની આર્ય વિદ્યાલયની સ્કૂલ બસ મિતાણા ગામમાં પુલ નીચેથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન બસમાં ડ્રાઈવરની સીટ પાસેના વાયરિંગમાંથી અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.પોલીસની ત્વરિત કામગીરીથી ટળી મોટી જાનહાનિઘટના બની ત્યારે બસમાં મોટી સંખ્યામાં બાળકો સવાર હતા. સદનસીબે, તે જ સમયે 112 ની પોલીસ ટીમ ઘટનાસ્થળે હાજર હતી. બસમાં આગ લાગતાની સાથે જ પોલીસે તાત્કાલિક ધોરણે બારી તેમજ દરવાજા મારફતે તમામ બાળકોને હેમખેમ બહાર કાઢી લીધા હતા. બાળકોને સમયસર સુરક્ષિત જગ્યાએ ખસેડી લેવામાં આવતા કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી અને વાલીઓ તેમજ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.સ્કૂલ વાહનો નિયમોનુસાર છે કે કેમ ? તંત્રએ બાળકોની સલામતી માટે ઝુંબેશ શરૂ કરવાની જરૂર આ દુર્ઘટનામાં સ્કૂલ બસની સુરક્ષા વ્યવસ્થાની પોલ ખુલી હતી. ઘટના બની ત્યારે ત્યાં હાજર લોકોએ જણાવ્યું કે આગને કાબૂમાં લેવા માટે જ્યારે બસમાં રહેલા ફાયર એક્સ્ટિંગ્વિશર (અગ્નિશામક બોટલ) નો ઉપયોગ કરવાનો પ્રયાસ કરાયો, ત્યારે જાણવા મળ્યું કે તે બોટલ સાવ ખાલી હતી. 112 ની ગાડીમાં રહેલા નાના બાટલાથી આગ ઓલવવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ આગ એટલી ભીષણ હતી કે તેનાથી કોઈ ફરક પડ્યો ન હતો. આ ઘટના બાદ સ્કૂલ બસોમાં સેફ્ટીના નિયમોના પાલન અને વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. તંત્ર દ્વારા આ મામલે યોગ્ય તપાસ થાય તે જરૂરી છે.#MorbiUpdate #Tankara #Mitana #SchoolBusFire #MorbiNews #AryaVidyalaya #GujaratNews #FireAccident #StudentSafety #MorbiPolice #112Emergency