અગાઉ બે વખત આંગડીયું કરાવી ગયેલા શખ્સે રાજકોટ નાણાં ટ્રાન્સફર કરાવી ફોન સ્વીચ ઓફ કરી દીધોમોરબી : વિશ્વાસે વહાણ તરે કહેવતને ખોટી પાડતા કિસ્સામાં મોરબીના આંગડિયા પેઢીના સંચાલક પાસે અગાઉ નવ લાખથી લઈ 32 લાખ સુધીની રકમ ટ્રાન્સફર કરાવનાર મોરબીના શનાળાના શખ્સે વિશ્વાસ કેળવી લીધા બાદ આંગડિયા સંચાલકને રાજકોટ ખાતે રૂપિયા 60.63 લાખ ટ્રાન્સફર કરાવી સાગરીત મારફતે નાણાં મેળવી લઈ ફોન બંધ કરી દેતા છેતરાયેલા આંગડિયા સંચાલકે વિશ્વાસઘાત - ઠગાઈ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં બે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના રવાપર રોડ પર નીતિન સોસાયટીમાં રહેતા મૂળ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના કેશિયા ગામના વતની વિપુલભાઈ મોતીભાઈ ગોધાણી ઉ.45એ આરોપી જયરાજસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ રહે.શનાળા અને નિમેશ આચાર્ય વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેઓ રવાપર ચોકડી પાસે કોહિનૂર કોમ્પ્લેક્સમાં પહેલા માળે ત્રણેક મહિનાથી શ્રીજી આંગડિયા પેઢી ચલાવે છે. જેમાં ગત તા.14 ઓગસ્ટના રોજ આરોપી જયરાજસિંહ ગોહિલે ફરિયાદીને ફોન કરી કહ્યું હતું કે, પોતે સામાકાંઠા વિસ્તારમાં છે અને હમણાં આવી નાણાં જમા કરાવી જશે તમે રૂપિયા 60,63,400 રાજકોટ શ્રીજી આંગડિયા પેઢીના નાણાં ટ્રાન્સફર કરી આપો.જેથી વિશ્વાસમાં આવી ગયેલા વિપુલભાઈએ પોતાની રાજકોટ પેઢી ખાતે નાણાં ટ્રાન્સફર કરતા આરોપી નિમેશ આચાર્ય નાણાં લઈ જતો રહ્યો હતો.બીજીતરફ કલાકોનો સમય વીતવા છતાં આરોપી જયરાજસિંહ નાણાં જમા કરાવવા નહિ આવતા વિપુલભાઈએ આરોપીને ફોન કર્યા હતા પરંતુ આરોપીનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો.બીજીતરફ નાણાં લેવા આવનાર નિમેશે પણ ફોન બંધ કરી દેતા શ્રીજી આંગડિયા પેઢીના સંચાલકે પોતાની રીતે પ્રયાસ કરવા છતાં આરોપીઓનો સંપર્ક નહિ થતા અંતે ઠગાઇના બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.નોંધનીય છે કે, અગાઉ આરોપી જયતાજસિંહ વિપુલભાઈ પાસે 9 લાખ તેમજ 32 લાખથી વધુ રકમના બે આંગડિયા કરાવી ગયો હોય વિપુલભાઈએ આરોપી પર વિશ્વાસ મૂકતા આરોપીએ વિશ્વાસઘાત કરી ઠગાઈને અંજામ આપ્યો હોવાનું બનાવ પરથી સ્પષ્ટ બન્યું છે.હાલ એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.