ફેકટરીમાં કામ કરતા માણસોએ ગાડી માલિક અને અન્ય લોકોને માર માર્યો, સામાપક્ષે પણ ઈજાઓ કર્યાની ફરિયાદ ટંકારા : ટંકારા તાલુકાના મીતાણા ગામની સીમમાં આવેલ ફિનોમેક્સ નામના કારખાનામાં માલ ભરીને આવેલ વાહન માલિકને ગાડી ખાલી કરવા બાબતે ગાડી આગળ -પાછળ કરવા જેવી નજીવી બાબતે ફેકટરીમાં કામ કરતા કામદારો અને વાહન ચાલક વચ્ચે ઝઘડો થતા થોડી વારમાં જ બઘડાટી બોલી ગઈ હતી અને બન્ને પક્ષે મારામારી કરતા ત્રણ-ત્રણ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી,બનાવ અંગે ટંકારા પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.પડધરી તાલુકાના તરઘરી ગામના ફરિયાદી રાઘવભાઈ આલાભાઇ ભરવાડ ઉ.28 નામના વાહન ચાલકે આરોપી સુર્યકાંત શર્મા તથા તેની સાથેના અન્ય ત્રણ માણસો રહે.મીતાણા નેકનામ રોડ ફીનોમેક્સ કારખાનામાં વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.23ના રોજ સાંજના સમયે તેઓ ફીનોમેક્સ કારખાનામાં માલ ભરીને આવ્યા બાદ ગાડી ખાલી કરવા બાબતે આરોપી સુર્યકાંત શર્મા તથા તેની સાથેના અન્ય ત્રણ માણસોએ ઝઘડો કરી એલ્યુમીનીયમની એંગલો વડે ફરીયાદી તેમજ સાહેદ રામભાઇ અને મુકેશભાઇને માર મારી ફ્રેક્ચર સહિતની ઇજાઓ કરી હતી.સામાપક્ષે મૂળ ઉત્તરપ્રદેશના વતની શ્યામકાંત સુર્યમની શર્મા ઉ.30 રહે.હાલ મીતાણા ગામની સીમ, ફીલોમેક્સ કારખાનાના લેબર કવાટરમાં વાળાએ રાઘવભાઇ ભરવાડ તથા તેની સાથેના અન્ય ત્રણ માણસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે,આરોપીઓએ ગાડી ખાલી કરવા ગાડી થોડી પાછી લેવા બાબતે ફરીયાદી તેમજ સાહેદ રજનીકુમાર અને ધીરજ કુમારને જમણા હાથમાં તથા ડાબા પગમાં મંઢ ઇજા કરી સાહેદ બ્રિજેશને હાથમાં ફેકચર જેવી ઇજાઓ કરી હતી.બનાવ અંગે ટંકારા પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.