એજન્સીએ સમયસર પૈસા ન ચૂકવ્યા હોવાથી જૂની હરાજી રદ કરી નવી હરાજી કરાઈ : તલાટીમોરબી અપડેટ : મોરબીના જાંબુડીયા ગ્રામ પંચાયત દ્વારા આયોજિત રફાળેશ્વર લોકમેળાની હરાજી મામલે રેજિયસવિંગ્સ ઇવેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના સતપાલસિંહ દ્વારા કલેક્ટરને કરવામાં આવેલી લેખિત રજૂઆત મુજબ, 18/08/2026 ના રોજ યોજાયેલ પ્રથમ હરાજીમાં તેઓએ 33,10,000 રૂપિયાની સૌથી ઊંચી બોલી લગાવી હતી અને 1,00,000 રૂપિયા ડિપોઝિટ જમા કરાવી હતી. અરજદારનો આક્ષેપ છે કે તેમને કોઈ લેખિત નોટિસ આપ્યા વગર આ હરાજી રદ કરવામાં આવી હતી અને 25/08/2026 ના રોજ નવી હરાજી યોજવામાં આવી હતી. નવી હરાજીમાં માત્ર 27,31,000 રૂપિયાની બોલી લાગતા પંચાયતને 5,79,000 રૂપિયાનું સંભવિત નુકસાન થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.બીજી તરફ, આ મામલે જાંબુડીયા પંચાયતના તલાટી સાગર વરસડાએ પોતાનો બચાવ રજૂ કર્યો છે. તલાટીના જણાવ્યા અનુસાર, એજન્સીને બાકીની રકમ ભરવા માટે 2 દિવસનો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ તેઓએ સમયસર પૈસા ચૂકવ્યા ન હતા. એજન્સીએ ડિરેક્ટરના ઘરમાં પ્રસંગ હોવાનું બહાનું કાઢ્યું હતું અને પૈસા ભરવામાં દિવસો પસાર કર્યા હતા. તલાટીએ સ્પષ્ટ કર્યું છે કે સમય મર્યાદા પૂરી થયા બાદ ટેલિફોનિક જાણ કરીને અને ઉચ્ચ અધિકારીઓને માહિતી આપ્યા પછી જ નિયમ મુજબ બીજી હરાજી કરવામાં આવી છે.આ સમગ્ર પ્રકરણમાં અરજદાર સતપાલસિંહે માંગ કરી છે કે નવી હરાજી તાત્કાલિક સ્થગિત કરવામાં આવે અને આ મામલે નિષ્પક્ષ તપાસ થાય. અરજદાર આજે પણ પોતાની જૂની બોલી મુજબ બાકીના 32,10,000 રૂપિયા ભરવા માટે તૈયાર હોવાનું પત્રમાં જણાવ્યું છે. જ્યારે તલાટીએ કલેક્ટર અને ડીડીઓ સમક્ષ આ મામલે પંચાયતનો પક્ષ અને સાચી હકીકત સ્પષ્ટ કરી દીધી હોવાનું જણાવ્યું છે. #Morbi #MorbiUpdate #RafaleshwarMela #AuctionControversy #GramPanchayat #MorbiNews