મહિનાના અંતે સૌથી વધુ પૌષ્ટિક નાસ્તો લાવનાર અને મહત્તમ બચત કરનાર વિદ્યાર્થીને વિશેષ ઇનામ આપી પ્રોત્સાહિત કરાશેવાંકાનેર (મોરબી અપડેટ) : આજના આધુનિક યુગમાં બાળકોમાં બહારના પડીકા, ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ ખાવાનું ચલણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, જે તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આ ગંભીર સમસ્યાના નિકાલ માટે વાંકાનેર તાલુકાના ભોજપરા ગામની સરકારી પ્રાથમિક શાળાના ગણિત-વિજ્ઞાન વિષયના શિક્ષક રમીઝભાઈ હિંગોરજા દ્વારા ધોરણ-8 ના વિદ્યાર્થીઓ માટે એક પ્રશંસનીય અને અનોખું ક્રિયાત્મક સંશોધન (Action Research) હાથ ધરવામાં આવ્યું છે.આ નૂતન પ્રોજેક્ટ અંતર્ગત એવો નિયમ બનાવવામાં આવ્યો છે કે ધોરણ-8 ના બાળકો બહારનો બિનઆરોગ્યપ્રદ નાસ્તો લાવવાનું સંપૂર્ણ બંધ કરે અને માત્ર ઘરનો બનાવેલો તાજો તથા પૌષ્ટિક નાસ્તો જ લાવે. આ અભિયાનને સફળ બનાવવા માટે તમામ વિદ્યાર્થીઓના વાલીઓનો પણ ઉત્સાહભેર સહકાર મેળવવામાં આવ્યો છે.આ યોજનાની સૌથી રસપ્રદ બાબત એ છે કે, વાલીઓ દ્વારા બાળકને બહારના નાસ્તા માટે જે રોજબરોજના રૂપિયા આપવામાં આવતા હતા, તે રૂપિયા હવે બંધ કરીને બાળકની નાની બચત એટલે કે ગલ્લામાં જમા કરાવવામાં આવે છે.વિદ્યાર્થીઓમાં તંદુરસ્ત હરીફાઈ થાય તે માટે શિક્ષક દ્વારા એક વિશેષ પ્રોત્સાહન યોજના પણ રાખવામાં આવી છે. જે અંતર્ગત મહિનાના અંતે ધોરણ-8 માંથી જે બાળકે સૌથી વધુ દિવસ પૌષ્ટિક નાસ્તો ખાધો હોય અને પોતાના ગલ્લામાં સૌથી વધુ રૂપિયાની બચત કરી હોય, તે બાળકને શિક્ષક રમીઝભાઈ તરફથી જાહેરમાં વિશેષ પ્રોત્સાહક ઇનામ આપી સન્માનિત કરવામાં આવે છે.આ પ્રયોગ અંગે માહિતી આપતા શિક્ષક રમીઝભાઈએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ પર કરાયેલા આ પ્રયોગથી તેમના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે અને સાથે જ તેમનામાં કિશોરાવસ્થાથી જ આર્થિક બચત કરવાના ઉત્તમ સંસ્કારોનું સિંચન થઈ રહ્યું છે. શાળાના શિક્ષકના આ નવતર પ્રયોગ અને વાલીઓ-વિદ્યાર્થીઓના સકારાત્મક વલણને સમગ્ર પંથકમાં ખૂબ જ બિરદાવવામાં આવી રહ્યો છે.#Wankaner #Bhojpara #MorbiUpdate #EducationNews #HealthyFood #StudentWelfare #GujaratNews #PrimarySchool