માળીયા (મિયાણા) ના વવાણીયામાં દેવી -દેવતાઓની મૂર્તિઓની તોડફોડ મામલે વિવિધ સંસ્થાઓ દ્વારા કડક કાર્યવાહીની માંગ કરાઈ માળિયા (મિયાણા) મોરબી અપડેટ : માળીયા (મિયાણા) તાલુકાના વવાણીયા ગામે આવેલા હિન્દુ સ્મશાનમાં અજાણ્યા શખ્સો દ્વારા હિન્દુ દેવી -દેવતાઓની મૂર્તિઓ ખંડિત કરવામાં આવતા ભારે રોષ ફેલાયો છે. આ મામલે વવાણીયા ગામના ગ્રામજનો, આગેવાનો તેમજ વિવિધ ધાર્મિક સંસ્થાઓ દ્વારા આજ રોજ મોરબી જિલ્લા કલેક્ટર, એસપી અને ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.રજૂઆતમાં જણાવ્યા અનુસાર, વવાણીયા ગામે જ્ઞાનનગરી તરીકે ઓળખાતી જગ્યાએ હિન્દુ ધર્મનું સ્મશાન આવેલું છે. આ સ્મશાનને ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી છે. કોઈ અજાણ્યા ઈસમો દ્વારા અહી હિન્દુ દેવ-દેવીઓની મૂર્તિઓ જાણી જોઈને તોડી નાખવામાં આવી છે અને ખંડિત કરવામાં આવી છે, જેનાથી હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે.આ ઘટના અંગે અગાઉ ગામના તથા સંસ્થાના આગેવાનો દ્વારા 17 ઓગસ્ટ 2026 ના રોજ માળીયા (મિયાણા) માં ફરિયાદ આપવામાં આવી હતી અને ત્યારબાદ 22 ઓગસ્ટ 2026 ના રોજ FIR દાખલ કરવામાં આવી છે.આ કૃત્ય કરનાર ઈસમોને પકડીને કાયમી ધોરણે આવું ન કરે તેના માટે કડકમાં કડક સજા થાય અને જેલમાંથી છૂટે નહીં તેવો કાયદો લગાડી ઊંડી તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. આ મામલે વવાણીયા ગામના ગ્રામજનો ઉપરાંત રાજચંદ્ર જન્મભુવન ટ્રસ્ટ, આદી તપસ્થલી નિબકારોલીબાબા હનુમાનજી મંદિર વ્યવસ્થાપક મંડળ તેમજ વવાણીયા ગામની સુન્ની મુસ્લિમ જમાત દ્વારા પણ લેખિત આવેદનપત્ર આપીને અસામાજિક તત્વોને તાત્કાલિક પકડી પાડવા રજૂઆત કરવામાં આવી છે.#Morbi #MorbiNews #MorbiUpdate #Vavaniya #MaliyaMiyana #AvedanPatra #MorbiPolice #CommunalHarmony