હળવદ (મોરબી અપડેટ) : ભૂસ્તરશાસ્ત્રી જગદીશ એસ. વાઢેરની સૂચના અને માર્ગદર્શન હેઠળ ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગ, મોરબીની તપાસ ટીમ દ્વારા તા. 23 ઓગસ્ટના રોજ હળવદ તાલુકાના ચાડધ્રા બ્રાહ્મણી નદીપટ્ટ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.આ તપાસ દરમિયાન સ્થળ પરથી સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત ખનન થતું હોવાનું જણાઈ આવતા ટીમ દ્વારા એક પીળા કલરનું હ્યુન્ડાઈ કંપનીનું એક્ષકેવેટર મશીન સીઝ કરવામાં આવ્યું હતું. આશરે રૂ. 40 લાખની કિંમતના આ મશીનને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં મૂકવામાં આવ્યું છે.સીઝ કરાયેલ એક્ષકેવેટર મશીનના માલિક ગોપાલભાઈ નારણભાઈ ઝાપડા, રહે. નાના કેરાળા, તા. વઢવાણ, જિ. સુરેન્દ્રનગર હોવાનું સામે આવ્યું છે.આ સમગ્ર મામલે ગુજરાત મિનરલ્સ (પ્રિવેન્શન ઓફ ઈલીગલ માઈનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ-2017 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગ દ્વારા બિનઅધિકૃત ખનન સામે સતત તપાસ હાથ ધરી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.