પતિના મિત્રએ બાળકને રમકડાં આપવાનું કહી અપહરણ કરતા પોલીસ ફરિયાદ મોરબી : મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં આવેલ સીરામીક ફેકટરીના લેબર ક્વાટર્સમાં રહેતા ઉત્તરપ્રદેશના વતની પરિવારના ત્રણ વર્ષના બાળકનું આ પરિવારના પરિચિત વ્યક્તિએ જ અપહરણ કરી લેતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ભોગ બનનાર બાળકની માતાએ ફરિયાદ નોંધાવી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં આવેલ સ્પેનસરા સીરામીક ફેકટરીમાં કામ કરતા અને અહીં જ રહેતા મૂળ ઉત્તરપ્રદેશના વતની અર્ચનાબેન રાજુભાઇ વર્મા ઉ.26 નામના મહિલાએ તેણીના જ પતિના મિત્ર એવા આરોપી સંતોષ નવલા આદીવાસી રહે.બુઢાડાંગર, થાના કોલારસ, જી. શિવપુરી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.21 ઓગસ્ટના રોજ આરોપી સંતોષ તેમના પુત્ર અંતાક્ષ ઉ.3 વાળાને રમકડાં લઈ આપવાને બહાને લઈ ગયા બાદ પરત નહીં આવી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયો હતો.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અર્ચનાબેન વર્માની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.