અણિયારી ચોકડી તરફથી પુરપાટ ઝડપે આવેલ આર-15 બાઇકના ચાલકે વૃદ્ધાને હડફેટે લઈ ઢસડતા મૃત્યુ નીપજ્યું મોરબી : મોરબી તાલુકાના અણિયારી ગામ નજીક રોડ પર નંબર પ્લેટ વગરના બે સ્પોર્ટ્સ બાઈક ચાલકોએ ધોળા દિવસે હાઇવે પર રેસ લગાવ્યા બાદ યામાહા આર-15 બાઇકના ચાલકે બાઈક પરથી કાબુ ગુમાવતા રોડની સાઈડમાં ઉભેલા વૃદ્ધાને હડફેટે લઈ ઢસડી જઈ ગંભીર ઈજાઓ પહોંચાડતા વૃદ્ધાનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે બાઈકની રેસ લગાડનાર આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરના આલાપ રોડ પર ખોડિયારનગરમાં રહેતા મૂળ અણિયારી ગામના વતની ફરિયાદી હર્ષદભાઇ કલ્યાણજીભાઇ બાવરવા ઉ.42એ અજાણ્યા નંબર પ્લેટ વગરના આર-15 યામાહા બાઇકના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઇકાલે બપોરના સમયે તેમના વૃદ્ધ માતા ગીતાબેન કલ્યાણજીભાઇ બાવરવા અણિયારી ગામના બસસ્ટેન્ડ પાસે રોડની સાઈડમાં ઉભા હતા ત્યારે અણિયારી ચોકડી તરફથી પુરપાટ ઝડપે નંબર પ્લેટ વગરના બે બાઈક ચાલકો રેસ લગાવી આવતા હતા જેમાં આર-15 યામાહા બાઈકના ચાલકે બેલેન્સ ગુમાવી દઈ ફરિયાદીના માતા ગીતાબેન કલ્યાણજીભાઇ બાવરવાને હડફેટે લઈ દૂર સુધી ઢસડી જતા ગીતાબેનનું ગંભીર ઈજાઓ પહોંચવાથી મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.