આગામી દિવસોમાં ખાંડનો છૂટક ભાવ 75 રૂપિયા સુધી પહોંચવાની શક્યતા; મીઠાઈના ભાવમાં પણ 20 થી 40 રૂપિયાનો વધારો ઝીંકાશેમોરબી અપડેટ : સામાન્ય માણસની સવાર જેની મીઠાશથી શરૂ થાય છે, એ ખાંડ હવે મોંઘવારીના કારણે કડવી લાગવા લાગી છે. છેલ્લા કેટલાક દિવસોમાં ખાંડના ભાવમાં ઝડપથી વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે, તો બીજી તરફ વેપારીઓ અને મીઠાઈ ઉત્પાદકોની ચિંતા પણ વધી છે. મોરબી સહિત રાજ્યભરમાં ખાંડના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે, જેની સીધી અસર આવનારા રક્ષાબંધન અને સાતમ-આઠમ જેવા તહેવારો પર પડશે.મહાવીર ફરસાણવાળા દિપકભાઈએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હજું પણ ખાંડના ભાવમાં વધારો આવી શકે છે એટલે એક-બે દિવસમાં મિઠાઈના ભાવમાં 20 થી 40 રૂપિયાનો ભાવ વધારો પ્રતિકિલોએ થઈ શકે છે. ખાંડના ભાવ 70 રૂપિયા કિલો થઈ ગયા છે. એટલે એક-બે દિવસમાં અમે પણ મિઠાઈના ભાવ વધારીશું. ખાંડના ભાવ વધવાથી તમામ મિઠાઈના ભાવ પર તેની અસર થશે કેમ કે દરેક મિઠાઈમાં ખાંડનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે જ લોટ અને ડ્રાયફ્રુટના ભાવમાં પણ વધારો થયો છે. તેમણે વધુમાં હાલના ભાવ જણાવતા કહ્યું હતું કે, હાલ લાડવાના 240 રૂપિયા, સાટાના 280 રૂપિયા, કાજુ કતરીના 1000 રૂપિયા પ્રતિ કિલોના ભાવ છે. આ ભાવમાં 20 થી 40 રૂપિયા ભાવ વધારવાનો વિચાર છે. અમને કલ્પના પણ ન હતી કે 15 દિવસની અંદર ખાંડના ભાવ આટલા વધી જશે. તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે આ ભાવ વધારો ગ્રાહકોને પણ અસર કરશે. તેમ છતાં નાના માણસોને કોઈ અસર ન પહોંચે એ પ્રમાણે ભાવ વધારીશું. પેંડામાં કોઈ ભાવ વધારો કરવાનો વિચાર નથી તેમ પણ તેમણે જણાવ્યું હતું.ઝાલાવાડ ટ્રેડર્સના મહેશભાઈના જણાવ્યા અનુસાર, છેલ્લા એક અઠવાડિયાથી ખાંડના ભાવમાં સતત ઉછાળો આવી રહ્યો છે. હોલસેલ બજારમાં 50 કિલો ખાંડના ભાવ વધીને 3500 થી 3600 રૂપિયા થઈ ગયા છે. છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ 50 કિલોએ 100 રૂપિયાનો વધારો નોંધાઈ રહ્યો છે. ભાવમાં ઉછાળો હોવા છતાં, કાયમી ગ્રાહકોને સાચવવા વેપારીઓ અત્યારે 65 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખાંડનું રીટેલ વેચાણ કરી રહ્યા છે. હાલ પૂરતું હોલસેલ વેચાણ બંધ રાખવામાં આવ્યું છે અને માત્ર નિયમિત ગ્રાહકો માટે જ રીટેલ વેચાણ ચાલુ છે.ગ્રાહકોએ ખરીદીમાં મૂક્યો કાપભાવ વધારાની સીધી અસર ગ્રાહકોની ખરીદી પર પણ જોવા મળી છે. તહેવારો નજીક હોવા છતાં લોકો અત્યારે ખાંડનો સ્ટોક કરવાને બદલે માત્ર જરૂરિયાત પૂરતી જ ખરીદી કરી રહ્યા છે. જે ગ્રાહકને 20 કિલો ખાંડની જરૂરિયાત છે, તે અત્યારે માત્ર 10 કિલો જ ખરીદી રહ્યો છે. આગામી દિવસોમાં જો ખાંડનો રીટેલ ભાવ 75 રૂપિયા સુધી પહોંચશે, તો તહેવારોની સિઝનમાં સામાન્ય માણસના ખિસ્સા પર સીધો બોજો પડશે તે નિશ્ચિત છે.