બેઠકમાં ધારાસભ્ય દુર્લભજી દેથરીયા ઉપસ્થિત રહી શક્યા નહોતા, તેમને લેખિતમાં મોકલેલા પ્રશ્નો અંગે કરાઈ ચર્ચામોરબી અપડેટ : મોરબી મહાનગરપાલિકાની સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક મ્યુનિસિપલ કમિશનર સંગીતા રૈયાણીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્ય દુર્લભજી દેથરીયા અનિવાર્ય સંજોગોવશાત ઉપસ્થિત રહી શક્યા નહોતા, પરંતુ તેમણે સંકલનના પ્રશ્નો લેખિતમાં મોકલી કાર્યવાહી ચાલુ રાખવા જણાવ્યું હતું. જેને ધ્યાને રાખીને ધારાસભ્ય દ્વારા રજૂ કરાયેલા તમામ લોકપ્રશ્નો અને વિકાસ કામો અંગે બેઠકમાં વિસ્તૃત સમીક્ષા અને ચર્ચા હાથ ધરવામાં આવી હતી.ગત બેઠકના નિર્ણયોની બહાલી અને વિકાસ કામોની સમીક્ષા બેઠકની શરૂઆતમાં ગત વર્ષની મીટિંગના નિર્ણયોને બહાલી આપવામાં આવી હતી. આ સાથે જ અગાઉ સંકલન સમિતિમાં મુકાયેલા ગ્રામ પંચાયતના સ્વભંડોળના કામો તેમજ 15મા નાણાપંચ હેઠળ મંજૂર થયેલા કામોની પ્રગતિની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જે કામો પૂર્ણ થયા છે તેની સત્તાવાર નોંધ લેવામાં આવી હતી.અરિહંત સોસાયટીની દરખાસ્તની પૂર્તતા આ સપ્તાહે કરાશેધારાસભ્ય દ્વારા જનભાગીદારી હેઠળ અરિહંત સોસાયટીના કામની દરખાસ્ત અંગે પૂછપરછ કરવામાં આવી હતી. આ અંગે કમિશનરે જણાવ્યું હતું કે, આ દરખાસ્ત GMFBમાં મોકલવામાં આવી હતી, જેમાં સામાન્ય પૂર્તતા માંગવામાં આવી છે. આ પૂર્તતા ચાલુ સપ્તાહમાં જ મોકલી આપવામાં આવશે, જેથી સોસાયટીના વિકાસ કામો ઝડપથી આગળ વધી શકે.હદ વિસ્તારમાં સમાવિષ્ટ પંચાયતોના વેરા અને વ્યાજ માફી અંગે સ્પષ્ટતામહાનગરપાલિકામાં ભળેલા ગ્રામ્ય વિસ્તારોમાં ટેક્સના વ્યાજ માફી અંગે ચર્ચા કરતા કમિશનરે સ્પષ્ટ કર્યું હતું કે, અગાઉ કમિશનર દ્વારા જ વ્યાજની વિસંગતતા દૂર કરવા કચેરી આદેશ કરાયો હતો અને તેનો અમલ ચાલુ છે. જે નાગરિકોએ અગાઉ વ્યાજ સાથે ટેક્સ ભર્યો હતો તેમને રિબેટ આપી રકમ ચૂકવી દેવાઈ છે. તારીખ 1-1-2025 પહેલા જૂની પંચાયત મુજબનો વેરો અને 1-1-2025 પછી મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવેશ થયા બાદ કોર્પોરેશન મુજબનો વેરો લાગુ કરવામાં આવ્યો છે, જેથી હવે વ્યાજનો કોઈ પ્રશ્ન રહેતો નથી.મિલકત આકારણીમાં સોગંદનામાની પ્રક્રિયા સરળ કરાશેવેરા વસૂલાત દરમિયાન લેવાતા સોગંદનામા અંગે ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. કમિશનર સંગીતા રૈયાણીએ જણાવ્યું કે, સોગંદનામું લેવાનો મુખ્ય હેતુ માત્ર એ છે કે આકારણીથી મિલકતનો માલિકી હક કે રેગ્યુલરાઈઝેશન સાબિત થતું નથી. તેમ છતાં નાગરિકોની સરળતા માટે ધારાસભ્યના સૂચન મુજબ સોગંદનામાના ફોર્મેટમાં સુધારો કરી પ્રક્રિયા હળવી કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મૂકી યોગ્ય નિર્ણય લેવામાં આવશે.#Morbi #MorbiUpdate #MorbiMahanagarpalika #SangitaRaiyani #DurlabhjiDethariya #GujaratNews #LocalNews