મહાનગરપાલિકા કમિશનરને રજૂઆત: યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારતા સ્થાનિકોમોરબી અપડેટ : મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં જાહેર જગ્યાઓ અને રહેણાક વિસ્તારોમાં ચાલતી નોનવેજની લારીઓ તેમજ કતલખાનાઓથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહેણાક અને ધાર્મિક સ્થળોની આસપાસ ચાલતી આ પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરાવવા હિન્દુ સમાજ સહિત વિવિધ સમાજના નાગરિકો દ્વારા એકસૂરમાં માંગ ઉઠાવવામાં આવી છે.આ મામલે મોરબી મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું નથી. નાગરિકોએ માંગ કરી છે કે હવે આ રજૂઆતને ગંભીરતાથી લઈ તાત્કાલિક તપાસ કરવામાં આવે અને નિયમોનું ઉલ્લંઘન કરતી તમામ પ્રવૃત્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી થાય.રજૂઆતમાં જણાવ્યા અનુસાર, રહેણાક અને જાહેર જગ્યાઓ પર આવી પ્રવૃત્તિઓને મંજૂરી કે લાઇસન્સ આપવા જોઈએ નહીં, જેનાથી અલગ-અલગ સમાજ વચ્ચે ગેરસમજ કે તણાવ ઉભો થાય. શક્તિ ચોક વિસ્તારમાં કેટલીક જગ્યાએ આવી પ્રવૃત્તિઓ છૂપી કે અનિયમિત રીતે ચાલુ હોવાની પણ નાગરિકોએ રજૂઆત કરી છે. આથી, મહાનગરપાલિકા દ્વારા સ્થળ તપાસ કરી જરૂરી લાઇસન્સ અને પરમિશનની ચકાસણી કરવામાં આવે તેવી માંગ છે.તેમજ ધાર્મિક સ્થળોની આસપાસ સરકારી માર્ગદર્શિકાનું કડક પાલન સુનિશ્ચિત કરી, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરાવવા જણાવાયું છે. નાગરિકોની મુખ્ય માંગ છે કે આવી પ્રવૃત્તિઓને રહેણાંક અને ધાર્મિક વિસ્તારોમાંથી દૂર કરી, નિયમો મુજબ અન્ય યોગ્ય સ્થળે ખસેડવા અંગે વહીવટી કાર્યવાહી કરવામાં આવે.જો આ મુદ્દે વહેલી તકે વહીવટી કાર્યવાહી કરવામાં નહીં આવે, તો નાગરિકો દ્વારા લોકશાહી ઢબે અને કાયદેસરની રીતથી વિરોધ કાર્યક્રમો કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સ્થાનિકોનો મુખ્ય હેતુ ઘર્ષણ ઉભો કરવાનો નથી, પરંતુ શહેરમાં શાંતિ, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા સૌના સામાજિક અને ધાર્મિક હિતોનું રક્ષણ થાય તેવો છે.#Morbi #MorbiUpdate #ShaktiChowk #MorbiMunicipalCorporation #MorbiCityNews #PublicIssue #MorbiNews