12 સાયન્સમાં 88.00% ગુણ મેળવનાર તેજસ્વી દીકરીને ₹6 લાખની ફી ભર્યા વગર મળ્યો પ્રવેશ: SC/ST ના વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણ માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ બન્યું આશીર્વાદરૂપમોરબી અપડેટ : આર્થિક સંકડામણ ક્યારેય તેજસ્વી વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણ આડે દીવાલ ન બને તે માટે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ (અનુસૂચિત જાતિ કલ્યાણ) દ્વારા ચલાવવામાં આવતી ‘ફ્રી શિપ કાર્ડ યોજના’ મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના વિરપર ગામના એક સામાન્ય પરિવારની પુત્રી ચાવડા ઉર્વશીબેન દિનેશભાઈની કારકિર્દી માટે વરદાન સાબિત થઈ છે.નાનપણથી જ વિજ્ઞાન પ્રવાહમાં રુચિ ધરાવતા ઉર્વશીબેને ધોરણ 12 સાયન્સમાં 88.00% ગુણ મેળવી ઉત્કૃષ્ટ પરિણામ હાંસલ કર્યું હતું. તેમનું સપનું BAMS (આયુર્વેદિક મેડિકલ) કોર્સ કરવાનું હતું, પરંતુ તેની તપાસ કરતાં કોર્સની ફી અંદાજે ₹6 લાખ જેટલી હોવાથી પરિવારની મર્યાદિત આવકને કારણે આટલી મોટી રકમ ચૂકવવી અશક્ય હતી. આ કપરા સમયે મોરબી સ્થિત 'જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (અનુસૂચિત જાતિ) ની કચેરી' ના સચોટ માર્ગદર્શન હેઠળ તેમણે ‘ડિજિટલ ગુજરાત પોર્ટલ’ પર ઓનલાઈન અરજી કરી હતી. વહીવટી પ્રક્રિયા પૂર્ણ થતાં જ તેમને ફ્રી શિપ કાર્ડ પ્રાપ્ત થયું અને તેમણે જૂનાગઢ ખાતે આવેલી નોબલ આયુર્વેદ કોલેજ એન્ડ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં કોઈપણ ફી ભર્યા વિના સરળતાથી BAMS માં પ્રવેશ મેળવી લીધો હતો.યોજનાની પાત્રતા અને માપદંડ અંગે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (અ.જા.) એ.એમ. છાશિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા SC/ST ના વિદ્યાર્થીઓ સ્નાતક, અનુસ્નાતક તેમજ ટેકનિકલ કોર્સ માટે ફ્રી શિપ કાર્ડ મેળવીને સ્વનિર્ભર (સેલ્ફ-ફાઇનાન્સ) સંસ્થાઓમાં વિનામૂલ્યે અભ્યાસ કરી શકે છે. આ લાભ મેળવવા માટે વિદ્યાર્થી ગુજરાતના મૂળ વતની હોવા જોઈએ અને ધોરણ 10 અથવા 12 પાસ કરેલું હોવું જરૂરી છે. વાર્ષિક આવક મર્યાદા વિદ્યાર્થીઓ (ભાઈઓ) માટે ₹6 લાખ રાખવામાં આવી છે, જ્યારે વિદ્યાર્થીનીઓ (બહેનો) માટે કોઈ આવક મર્યાદા નથી. મેનેજમેન્ટ ક્વોટા, NRI ક્વોટા કે સ્પોર્ટ્સ ક્વોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને આ લાભ મળવાપાત્ર નથી.પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવતા પહેલા ‘ડિજિટલ ગુજરાત પોર્ટલ’ પર ઓનલાઈન અરજી કરવાની રહે છે. જેમાં જાતિનો દાખલો, પિતાના આવકનો દાખલો, ધોરણ 10 અને ત્યારપછીના તમામ પરિણામોની નકલ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC), બેંક પાસબુક સહિતના જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહે છે. ફ્રી શિપ કાર્ડ યોજના આજે વંચિત વર્ગના અનેક તેજસ્વી યુવાનો માટે પ્રગતિની નવી ભાગ્યરેખા સાબિત થઈ રહી છે.#Morbi #MorbiUpdate #FreeShipCard #DigitalGujarat #BAMS #Scholarship #HigherEducation #Tankara #Virpar #SocialWelfare #SCSTWelfare #MorbiNews #GujaratNews