મોરબી શહેર અને જિલ્લામાં માત્ર એક ફોન ઉપર અંગ્રેજી દારૂની ડિલિવરી, ઠેક-ઠેકાણે દેશી દારૂના પણ બેફામ હાટડા : પોલીસે ભાવનગરની ઘટનાથી બોધપાઠ લઈ કડક એક્શન લેવાની જરૂરમોરબી અપડેટ : ભાવનગર પંથકમાં નકલી અંગ્રેજી દારૂ કાંડે રાજ્યભરમાં ચર્ચા જગાવી છે. નકલી દારૂ પીવાથી 3 લોકોના મોત થયા છે અને હજુ અનેક લોકો સારવારમાં મોત સામે ઝઝૂમી રહ્યા છે. આ ઘટનાથી બોધપાઠ લઈને મોરબી જિલ્લા પોલીસે પણ આળસ ખંખેરી દારૂની બદી સામે કડક હાથે કામ લેવાની જરૂર છે. કારણકે મોરબી જિલ્લામાં પણ ઠેક-ઠેકાણે દારૂનું દુષણ ગંભીર રીતે ફેલાયેલું છે.ભાવનગરના ઘોઘા તાલુકાના ખરકડી ગામે નકલી દારૂ પીવાના કારણે એક મોટી દુર્ઘટના સામે આવી છે. ખરકડી ગામના વાડી વિસ્તારમાં પાર્ટી કર્યા બાદ 24 કલાક પછી તમામ લોકો બેભાન અવસ્થામાં જોવા મળ્યા હતા. આ પાર્ટી ખરકડી ગામે રહેતા વિશ્વરાજસિંહ ગોહિલે પોલીસમાં સિલેક્ટ થવા બદલ આપી હતી. આ પાર્ટીમાં ઉપેન્દ્રસિંહ ગોહિલ, હરપાલસિંહ ગોહિલ અને જયદીપસિંહ ગોહિલ સહિત 4 મિત્રોએ ભાગ લીધો હતો. રોયલ સ્ટગની બોટલમાં આવેલો નકલી દારૂ પીવાના કારણે ઉપેન્દ્રસિંહ ગોહિલનું મોત નીપજ્યું છે. આ ઘટનામાં ભાવનગરના 5 ગામના 20 લોકો બીમાર પડ્યા છે અને 5 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. જોકે, આ કુલ 5 મોતમાંથી 2 મોત શંકાસ્પદ માનવામાં આવી રહ્યા છે, જેમાં એક મૃતકની અમદાવાદની ટ્રાવેલ હિસ્ટ્રી છે અને બીજાના પરિવારે નકલી દારૂથી મોત થયાનો આક્ષેપ કર્યો છે. હાલમાં અંદાજે 15 જેટલા લોકો સારવાર હેઠળ છે. આ નકલી ઈંગ્લીશ દારૂ મધ્યપ્રદેશના ઉજ્જૈનથી લાવવામાં આવ્યો હતો. ઉજ્જૈનથી ગૌતમ સોલંકી સુધી આ દારૂ પહોંચ્યો હતો. કુલ 28 પેટી દારૂ લાવવામાં આવ્યો હતો, જેમાંથી પોલીસે 15 પેટી જપ્ત કરી છે. દારૂમાં મિથેનોલના પ્રમાણને લઈને FSL ને નમૂના પણ સોંપવામાં આવ્યા છે.સ્થિતિની ગંભીરતાને જોતા ગૃહમંત્રીએ 18 ઓગસ્ટની મધરાતે અમદાવાદ એરપોર્ટ પર મીટિંગ કરી હતી અને ઘટનાની તપાસ SMC (સ્ટેટ મોનિટરિંગ સેલ) ને સોંપી હતી. આદેશ મળતા જ SP મયુરસિંહ ચાવડા તાત્કાલિક ભાવનગર દોડી ગયા હતા. પોલીસે અલગ અલગ 15 થી 16 ટીમો બનાવીને બુટલેગર અને સપ્લાયર સહિત 13 વ્યક્તિઓની અટકાયત કરી છે. આ ઉપરાંત નકલી દારૂ બનાવનાર પરપ્રાંતીયો હોવાનું પણ જાણવા મળ્યું છે.ભાવનગરની આ ગોઝારી ઘટના મોરબી માટે પણ એક મોટી લાલબત્તી સમાન છે. મોરબીમાં પણ દારૂની બદી ફૂલીફાલી છે. મોરબીમાં એક ફોન કરો અને જ્યાં કહો ત્યાં અંગ્રેજી દારૂની ડિલિવરી મળી જાય છે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ ઉપરાંત દેશી દારૂના ઠેર ઠેર હાટડાઓ ધમધમી રહ્યા છે. આ સમગ્ર ગેરકાયદેસર કારોબાર પોલીસની મીઠી નજર હેઠળ ચાલી રહ્યો હોવાની વ્યાપક ચર્ચાઓ છે. ભાવનગરના આ નકલી દારૂ કાંડથી સબક લઈ મોરબી પોલીસે પણ જાગવાની જરૂર છે. મોરબીમાં પણ આવી કોઈ દુર્ઘટના સર્જાય અને નિર્દોષ લોકોના જીવ જાય તે પહેલાં જ પોલીસે દારૂના કાળા કારોબાર ઉપર કડક હાથે એક્શન લેવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે.#MorbiUpdate #MorbiNews #BhavnagarHoochTragedy #FakeLiquor #GujaratPolice #MorbiPolice #WakeUpMorbi #SMC #GujaratNews