એજન્સીનો કોન્ટ્રાક્ટ પૂરો થવા છતાં કામ કરાવ્યું પણ પગાર ન ચૂકવાયો: મહાનગરપાલિકા દ્વારા એજન્સીને તાત્કાલિક પગાર ચૂકવવા કડક સૂચના અપાઈમોરબી અપડેટ : મોરબી મહાનગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારો છેલ્લા દોઢ માસથી પગાર ન મળતા હડતાળ પર ઉતરી ગયા છે. આગામી સમયમાં જ્યારે તહેવારો આવી રહ્યા છે, ત્યારે પગાર ન થવાના કારણે સફાઈ કામદારોની હાલત કફોડી બની છે અને તેઓએ મહાનગરપાલિકા કચેરી ખાતે એકઠા થઈ પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.હડતાળ પર ઉતરેલા મહિલા સફાઈ કામદારોએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ મહિનાથી તેમને પગાર ચૂકવવામાં આવ્યો નથી. એજન્સીનો કોન્ટ્રાક્ટ પૂરો થયો હોવાની કે રદ થયો હોવાની તેમને કોઈ જ જાણ કરવામાં આવી ન હતી. મહાનગરપાલિકાના અલગ અલગ અધિકારીઓ દ્વારા તેમને કામ કરવાનું કહેવામાં આવતા તેઓએ ઈમાનદારીથી પોતાનું કામ ચાલુ રાખ્યું હતું. હવે તહેવારોના સમયે ઘરનું ભાડું, બાળકોની ફી અને રોજિંદો ઘરખર્ચ કેવી રીતે કાઢવો તે તેમના માટે મોટો પ્રશ્ન બની ગયો છે. તેઓની સ્પષ્ટ માંગ છે કે જ્યાં સુધી તેમના હકનો પગાર નહીં મળે ત્યાં સુધી તેઓ હડતાળ પર જ બેસશે.આ સમગ્ર મામલે મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ સત્તાવાર સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ વધારાના સફાઈ કર્મીઓ માટે રાજકોટની 2 એજન્સીઓ 'ક્રિએટિવ મેનપાવર સોલ્યુશન્સ' અને 'હુમા બીઝકોન' ને ટેન્ડર પ્રક્રિયા દ્વારા 100 - 100 સફાઈ કામદારો પૂરા પાડવાનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. આ કોન્ટ્રાક્ટ 12 મહિનાનો હતો અને તેમાં 6 મહિનાના એક્સટેન્શનની જોગવાઈ હતી. જેમાંથી 'ક્રિએટિવ મેનપાવર' ની મુદત એપ્રિલ માસમાં પૂરી થઈ ગઈ છે અને હાલ તેમની એક્સટેન્શનની વહીવટી પ્રક્રિયા ચાલુ છે.વહીવટી પ્રક્રિયાના કારણે પગારમાં વિલંબ થયો હોવાનું સ્વીકારતા તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, એજન્સીને દર મહિનાની 10 તારીખ સુધીમાં કામદારોનો પગાર કરી દેવા અગાઉથી જ સૂચના આપેલી છે. આજે ફરીથી એજન્સીને બોલાવીને તાત્કાલિક અસરથી તમામ સફાઈ કામદારોના બાકી પગાર ચૂકવી દેવા માટે કડક આદેશ કરવામાં આવ્યો છે અને એક્સટેન્શનની પ્રક્રિયા પણ સત્વરે પૂર્ણ કરવામાં આવશે.#Morbi #MorbiUpdate #MorbiNews #SafaiKamdar #Strike #MorbiMunicipalCorporation #PendingSalary #WorkerProtest