ટીકર-પલાસવા ગ્રીન ફિલ્ડ રોડ પ્રોજેક્ટથી મોરબી-કચ્છ વચ્ચેનું અંતર 150 કિમિને બદલે માત્ર 42 કિમી થઈ શક્યું હોત : વન્યજીવોના અસ્તિત્વ અને 107 ગામોમાં પૂરના ખતરાને પગલે પ્રોજેક્ટને લઈ નકારાત્મક અભિપ્રાય અપાયોમોરબી અપડેટ : સૌરાષ્ટ્ર-કચ્છ વચ્ચે અત્યારે સુરજબારી પુલ વાળો એક જ માર્ગ હયાત છે. તેવામાં ટિકર-પલાસવા વચ્ચે રણમાંથી બીજો માર્ગ કાઢવા લાંબા સમયથી માંગ ઉઠી રહી હતી. જેને પગલે સરકારે આ દિશામાં કાર્યવાહી પણ શરૂ કરી હતી. પણ હવે આ રોડ પ્રોજેકટ ઉપર પૂર્ણ વિરામ મુકાઈ જાય તેવી સ્થિતિ મુકાઈ ગઈ છે. કારણકે વન્યજીવોના અસ્તિત્વ અને 107 ગામોમાં પૂરના ખતરાને પગલે પ્રોજેક્ટને લઈ વન વિભાગે નકારાત્મક અભિપ્રાય આપ્યો છે. ટીકર-પલાસવા ગ્રીન ફિલ્ડ રોડનો પ્રસ્તાવકચ્છ જિલ્લામાં સૂચિત ટીકરથી પલાસવા સુધીના નવા ગ્રીન ફિલ્ડ રોડના નિર્માણ માટે માર્ગ અને મકાન વિભાગ ભુજ-કચ્છ દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી. કચ્છ જિલ્લાને મોરબી, સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સાથે જોડવા માટેનો સૌથી ટૂંકો રસ્તો થઈ શકે એમ હતો. ફક્ત 42.00 કિ.મી. નો નવો માર્ગ બનવાથી વાહનવ્યવહાર માટે અંદાજિત 150 કિલોમીટર જેટલું અંતર ઘટી શકે તેમ હતું. આ નવો ગ્રીનફિલ્ડ રસ્તો વાઇલ્ડ એસ સેન્ચ્યુરી (ઘુડખર અભયારણ્ય) વિસ્તારમાંથી પસાર થાય છે, જેમાં પ્રોટેક્ટેડ વિસ્તારની કુલ લંબાઈ 29.3275 કિલોમીટર છે. પરંતુ આ સૂચિત પ્રોજેક્ટને કારણે પર્યાવરણ અને વન્યજીવોને થનારા વ્યાપક નુકસાનને પગલે વન વિભાગ દ્વારા સ્પષ્ટ નકારાત્મક અભિપ્રાય આપવામાં આવ્યો છે.વન્યજીવો અને પક્ષીઓ માટે મોટો ખતરો આડેસર રેન્જના અહેવાલ મુજબ, આ સૂચિત રોડ પલાસવા તરફથી ગૌણબેટ સેન્ચ્યુરી વિસ્તાર અને ખાસ કરીને સંવેદનશીલ 'કેસમારા બેટ'ની મધ્યમાંથી પસાર થાય છે. આ વિસ્તાર ઘુડખર, ઝરખ, વરુ, રણ લોંકડી અને ચિંકારા જેવા વન્યજીવોનું કાયમી આશ્રયસ્થાન છે. આ ઉપરાંત, નાનું રણ લુપ્ત થવાના આરે આવેલા અતિ દુર્લભ હુબારા બસ્ટાર્ડ (Hubara Bustard) અને ફ્લેમિંગો (Flamingo) જેવા માઈગ્રેટરી પક્ષીઓ માટે શિયાળામાં ખોરાક, પાણી અને નેસ્ટિંગ (માળો બાંધવા) માટેનું મુખ્ય સ્થાન છે. ધ્રાંગધ્રા તાલુકાના નિમકનગરથી 23 કિમી અંદરના ભાગમાં ફ્લેમિંગો નેસ્ટિંગ કરે છે, જેના પર આ રોડથી સીધી આડઅસર થશે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ પણ આવા નિયત વિસ્તારોમાં આવન-જાવનનો માર્ગ આપી શકાય નહીં.107 ગામોમાં પૂરનું ગંભીર જોખમવન વિભાગના અહેવાલ મુજબ જો આ રોડને મંજૂરી આપવામાં આવે તો રણ વિસ્તારમાં વહેતી મુખ્ય નદીઓ જેવી કે બનાસ, સરસ્વતી અને રૂપેણના પાણીનો કુદરતી નિકાલ દરિયા તરફ જતો અટકી જશે. આ નદીઓનો વહેણ બંધ થવાથી રણ કાંઠાના 107 ગામોમાં કુદરતી અતિવૃષ્ટિ સમયે ગંભીર પૂર આવવાની અને મોટા પાયે જાનમાલની હાનિ થવાની ભીતિ રહેલી છે.રોડ પ્રોજેક્ટની વિગતો અને પર્યાવરણીય નુકસાન હળવદ ફોરેસ્ટ વિભાગના અહેવાલ મુજબ, આ રોડની કુલ લંબાઈ 42.750 કિલોમીટર જેટલી છે. જેમાંથી 4.70 હેક્ટર વિસ્તાર ઘુડખર અભયારણ્યના ઇકો સેન્સેટીવ ઝોનમાંથી અને 38.6 હેક્ટર વિસ્તાર સીધો ઘુડખર અભયારણ્યમાંથી પસાર થાય છે. રોડ બનવાથી ઘુડખરના ટોળાઓ રોડની બંને બાજુ બે ભાગમાં વહેંચાઈ જશે, જેનાથી રેવન્યુ વિસ્તારમાં તેમની અવરજવર વધશે અને માનવ-વન્યજીવ ઘર્ષણની ઘટનાઓ સંભવી શકે છે. વધુમાં, દરખાસ્તમાં 50 હેક્ટરથી વધુ વિસ્તાર ડાયવર્ટ થતો હોવા છતાં યુઝર એજન્સી દ્વારા બાયો-ડાયવર્સિટી ઈમ્પેક્ટ એસેસમેન્ટ (Bio-Diversity impact Assessment) પણ કરવામાં આવેલ નથી અને પાણીના લેવલ બાબતે કોઈ સર્વે પણ થયો નથી.વન વિભાગનો આખરી નિર્ણયઆ તમામ ગંભીર બાબતો તથા આડેસર અને હળવદના સ્પષ્ટ નકારાત્મક અભિપ્રાયને ધ્યાને રાખીને, ધ્રાંગધ્રા નાયબ વન સંરક્ષક અને ગાંધીનગર વન્યજીવ વર્તુળના મુખ્ય વન સંરક્ષક દ્વારા આ દરખાસ્તને દફતરે કરવા (રદ કરવા) ભલામણ કરવામાં આવી છે.વન્યજીવોના રક્ષણ અને પાણી ભરાવાને લઈ નવા રોડ અંગે નકારાત્મક અભિપ્રાય: ધ્રાંગધ્રા ફોરેસ્ટ અધિકારીમોરબી અપડેટ સાથેની ખાસ વાતચીતમાં ધ્રાંગધ્રાના ફોરેસ્ટ અધિકારી બી.એમ. પટેલે ટીકર-પલાસવા રોડ પ્રોજેક્ટ અંગે વિગતો આપી હતી. તેમણે સ્પષ્ટ કહ્યું કે નવો પ્રસ્તાવિત ટીકર-પલાસવા રોડ સંપૂર્ણપણે ઘુડખર અભયારણ્ય વિસ્તારમાંથી પસાર થાય છે. આ રોડ કેશવાળા બેટ, ગાંગવા બેટ અને મરડક બેટ જેવા વન્યજીવોના મુખ્ય રહેઠાણ પાસેથી પસાર થતો હોવાથી જીવસૃષ્ટિને ભારે ખલેલ પહોંચી શકે છે. ગાઈડલાઈન મુજબ કોઈપણ અભયારણ્ય કે નેશનલ પાર્કમાં નવા રોડના નિર્માણ માટે ભલામણ કરી શકાય નહીં. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ચોમાસા દરમિયાન સામાન્ય રીતે અભયારણ્ય બંધ રાખવામાં આવે છે, પરંતુ જો અહીંથી નવો રોડ પસાર થાય તો વાહનવ્યવહાર આખું વર્ષ સતત ચાલુ રહે. આ કારણે વન્યજીવોના સંવનન સમયમાં મોટો વિક્ષેપ પડી શકે છે. હાલમાં રણ વિસ્તારમાં 5 થી 6 ફૂટ જેટલું સતત પાણી ભરાયેલું છે અને પાણીના કુદરતી વહેણ અંગે પ્રસ્તાવિત રોડના અલાઇન્મેન્ટમાં કોઈ યોગ્ય ટેકનિકલ સ્ટડી કરવામાં આવ્યો નથી. જો આ રોડ બનાવવામાં આવે તો રણના સીધા બે ભાગ પડી જાય અને જીવસૃષ્ટિનું નિવાસસ્થાન છિન્નભિન્ન થઈ જાય. આ તમામ બાબતો અને વન્યજીવોના નિવાસસ્થાનને થતા નુકસાન (હેબિટાટ ડિસ્ટર્બન્સ) ને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા આ રોડ ન બનાવવા માટે સ્પષ્ટ ભલામણ કરવામાં આવી છે.#MorbiUpdate #MorbiNews #Dhrangadhra #TikarPalasavaRoad #ForestDepartment #WildAssSanctuary #GujaratForest #EnvironmentProtection #WildlifeConservation