પાડોશી આંગણામાં લીંબુ તોડવા જતાં મકાનના તાળા તૂટેલા જોતા બનાવ ઉજાગર થયો : ભુજ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈમોરબી અપડેટ: ટંકારામાં મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવતા પી. એન. ગોરના ભુજ ખાતે આવેલા બંધ મકાનમાં લાખો રૂપિયાની ચોરી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવીને સોના-ચાંદીના ઘરેણાં અને રોકડ રકમની ચોરી કરી છે. આ મામલે ભુજ એ-ડિવિઝન પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, પી. એન. ગોરનું મકાન ભુજના જુની રાવલવાડી વિસ્તારમાં આવેલી આશાપુરા સોસાયટીમાં આવેલું છે. ગત 28 જૂનથી 14 ઓગસ્ટ દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાના તાળાં તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરો ઘરમાંથી એક સોનાનો સેટ, ચાંદીના 7 કંદોરા, 7 જુડા, ગાયની મૂર્તિ, તુલસી ક્યારો, ગણપતિની મૂર્તિ સહિત કુલ 1200 ગ્રામ (1.2 કિલો) ચાંદીના ઘરેણાં અને પૂજાના સામાનની ચોરી કરી ગયા હતા. આ ઉપરાંત 25000 રૂપિયા રોકડા મળીને કુલ 2.53 લાખ રૂપિયાનો મુદ્દામાલ ચોરાયો હોવાની ફરિયાદ નોંધાઈ છે.આ ચોરીના બનાવની જાણ ત્યારે થઈ જ્યારે મકાનના પાડોશી આંગણામાં આવેલા લીંબુના ઝાડમાંથી લીંબુ તોડવા માટે ગયા હતા. તે સમયે મકાનનો દરવાજો ખુલ્લો હતો અને અંદર સામાન વેરવિખેર તથા તોડફોડ થયેલી જોવા મળી હતી. જેથી પાડોશીએ તુરંત જ મકાન માલિકને આ ચોરી અંગે જાણ કરી હતી. હાલ ભુજ એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધીને અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.#Tankara #Bhuj #CrimeNews #Theft #GujaratPolice #MorbiUpdate #NewsUpdate