હળવદ રસ્તા પરથી રડતી હાલતમાં મળેલી મહિલાનું કાઉન્સેલિંગ કરી પતિને કાયદાકીય સમજ આપી સુખદ સમાધાન કરાવ્યુંમોરબી અપડેટ : મહિલાઓની મદદ માટે સતત રાત-દિવસ કાર્યરત 181 અભયમ મહિલા હેલ્પલાઇન સેવા વધુ એકવાર સંકટમાં મુકાયેલી મહિલા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. પતિના ત્રાસથી કંટાળીને 2 દીકરીઓ સાથે ઘરેથી નીકળી ગયેલી મહિલાને શોધી કાઢી અભયમની ટીમે પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું.પ્રાપ્ત વિગતો અનુસાર, ગત તારીખ 13 ઓગસ્ટના રોજ 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં એક જાગૃત નાગરિક દ્વારા કોલ કરીને જાણ કરવામાં આવી હતી કે, એક અજાણી મહિલા હળવદ રસ્તા પર 2 દીકરીઓ સાથે એકલા બેઠા છે. મહિલા ખૂબ જ રડે છે, ગભરાયેલી હાલતમાં છે અને તેમને મદદની જરૂર છે. આ માહિતી મળતા જ 181 ટીમના કાઉન્સેલર જાગૃતિ ભુવા, મહિલા કોન્સ્ટેબલ ખ્યાતિબેન બલેવિયા તેમજ પાયલોટ યુવરાજસિંહ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યાં આસપાસના લોકોએ મહિલાને સુરક્ષિત જગ્યાએ બેસાડ્યા હતા. ટીમે સૌપ્રથમ મહિલાને સાંત્વના આપી પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.અભયમ ટીમ દ્વારા સંવેદનશીલતાપૂર્વક કરવામાં આવેલા કાઉન્સેલિંગમાં મહિલાએ પોતાની મનોવ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, તેમના લગ્નને 15 વર્ષ થયા છે અને તેમને કુલ 3 દીકરીઓ છે. તેઓ સાસુ, સસરા, પતિ, દિયર અને દેરાણી સાથે સંયુક્ત પરિવારમાં રહે છે. છેલ્લા 15 વર્ષથી પતિ દ્વારા તેમને હેરાન કરવામાં આવે છે અને છેલ્લા 3 વર્ષથી પતિને અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોવાથી તેમની સાથે ગેરવર્તન કરી અપશબ્દો બોલે છે. પતિ દ્વારા અવારનવાર મારઝૂડ કરી નાની-નાની વાતોમાં માનસિક ત્રાસ આપી ઘરમાંથી બહાર નીકળી જવાનું કહેવામાં આવતું હતું. આવા અનેક ત્રાસથી કંટાળીને તેઓ પોતાની 2 દીકરીઓને લઈને ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા હતા અને છેલ્લા 6 થી 7 કલાકથી બહાર હતા.મહિલાની આપવીતી સાંભળ્યા બાદ 181 ટીમ તેમના ઘરે પહોંચી હતી અને પતિ સાથે વાતચીત કરી હતી. પતિએ બચાવ કરતા જણાવ્યું હતું કે પત્ની નાની વાતોમાં ખોટું લગાડીને જાણ બહાર ઘરેથી નીકળી ગયા હતા અને તેઓ તેમને શોધવા માટે પ્રયત્નો કરી રહ્યા હતા. ત્યારબાદ અભયમ ટીમે મહિલાના પરિવારને યોગ્ય સલાહ-સૂચન અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ટીમે પતિને પોલીસ સ્ટેશન અને કાયદાકીય જોગવાઈઓ વિશે માહિતી આપી, ભવિષ્યમાં પત્ની સાથે મારઝૂડ કે અયોગ્ય વર્તન ન કરવા અંગે કડક શબ્દોમાં લાંબી સમજાવટ કરી હતી.આ સમજાવટના અંતે મહિલાએ પણ ભવિષ્યમાં ક્યારેય ઘર છોડીને ન જવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો અને રાજીખુશીથી પરિવાર સાથે રહેવા સહમતી દર્શાવી હતી. આમ, 181 અભયમ ટીમે મહિલાને તેમના પરિવારજનોને સહી-સલામત સોંપીને પ્રશંસનીય કામગીરી કરી હતી. આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ પરિવારે 181 ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.#MorbiUpdate #Morbi #181Abhayam #WomenHelpline #MorbiNews #Halvad #AbhayamTeam #WomenSafety #GujaratPolice