પ્રદેશ પ્રમુખ હસ્તક્ષેપ કરે તેવી માંગ, જો કાર્યકરોનો અવાજ નહીં સાંભળવામાં આવે તો 2027 ની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડશેટંકારા (મોરબી અપડેટ) : મોરબી જિલ્લા અને ટંકારા તાલુકા કોંગ્રેસ સંગઠનની કાર્યશૈલી સામે સ્થાનિક આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પાયાના કાર્યકર્તાઓમાં ભારે અસંતોષ ભભૂકી ઉઠ્યો છે. સંગઠનમાં ચાલતી જૂથબંધી અને એકતરફી નિર્ણય પ્રક્રિયાથી નારાજ થયેલા કાર્યકરોએ બળવાનાં મંડાણ કર્યા છે અને જો પરિસ્થિતિ નહીં સુધરે તો સામૂહિક રાજીનામા આપવાની ચીમકી ઉચ્ચારી છે.રવિવારે ટંકારા ખાતે કોંગ્રેસના પૂર્વ સદસ્યો, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, નગરપાલિકાના સદસ્યો, વિવિધ સમાજના આગેવાનો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓએ સંગઠનમાં ચાલી રહેલી એકતરફી નિર્ણય પ્રક્રિયા, જૂથબંધી અને પાયાના કાર્યકર્તાઓને અવગણવાની નીતિ સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. વર્ષોથી પાર્ટી માટે નિષ્ઠાપૂર્વક કામ કરનારા કાર્યકર્તાઓને યોગ્ય સન્માન અને જવાબદારી મળતી ન હોવાની વ્યાપક લાગણી બેઠકમાં વ્યક્ત કરવામાં આવી હતી.કાર્યકરો અને આગેવાનોની મુખ્ય માંગણીઓ * સ્થાનિક આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પાયાના કાર્યકર્તાઓને વિશ્વાસમાં લીધા વગર કોઈ પણ નિર્ણયો લેવામાં ન આવે.* ટંકારા હંમેશા અઢારે આલમને સાથે લઈને ચાલતું આવ્યું છે, તેથી સંગઠનમાં પણ દરેક સમાજને સમાન સન્માન મળવું જોઈએ.* હોદ્દાની ફાળવણી સહિત સમગ્ર સંગઠનાત્મક પ્રક્રિયાની નિષ્પક્ષ સમીક્ષા કરવામાં આવે.પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને હસ્તક્ષેપ કરવા અપીલનારાજ આગેવાનોએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને સમગ્ર મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને સ્થાનિક સ્તરે સાચી સેન્સ લેવા અપીલ કરી છે. જો પ્રદેશ કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં આ મુદ્દે યોગ્ય ધ્યાન આપવામાં નહીં આવે અને જરૂરી સુધારા નહીં કરાય, તો ટંકારા વિસ્તારમાં અનેક ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં નિષ્ઠાવાન કાર્યકર્તાઓ સામૂહિક રાજીનામાં આપશે તેવી સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારવામાં આવી છે.આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય કોઈ વ્યક્તિ વિશેષની વિરુદ્ધ નથી, પરંતુ કાર્યકર્તાના સન્માન, સંગઠનની પારદર્શિતા અને કોંગ્રેસને મજબૂત બનાવવા માટે છે. કોંગ્રેસ કોઈ વ્યક્તિ કે જૂથની ખાનગી મિલકત નથી, તે કાર્યકર્તાઓની પાર્ટી છે અને કાર્યકર્તાનો અવાજ સાંભળવો જ પડશે. જો કાર્યકર્તાનો વિશ્વાસ બચશે તો જ સંગઠન બચશે અને 2027 ની લડાઈ મજબૂતીથી લડી શકાશે. જો આગામી દિવસોમાં પણ કાર્યકરોની વાત સાંભળવામાં નહીં આવે તો એક વિશાળ બેઠક બોલાવીને આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.#MorbiUpdate #Tankara #Morbi #Congress #GujaratCongress #TankaraCongress #Politics #ResignationThreat #MorbiNews #GujaratPolitics