15 ઓગસ્ટની રાત્રે રવિશ પેપર LLP માંથી 1.8 થી 2 લાખના મુદ્દામાલની ચોરી; જાન્યુઆરીમાં પણ ચોરીની ઘટના બની હોવા છતાં તંત્ર નિષ્ક્રિયમોરબી અપડેટ : મોરબીના હળવદ હાઇવે પર ઘૂંટુ ગામ નજીક નર્મદા કેનાલ પાસે આવેલી રવિશ પેપર LLP નામની ફેક્ટરીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. ગત 15 ઓગસ્ટની રાત્રે 2 થી 3 વાગ્યાના અરસામાં તસ્કરોએ ફેક્ટરીમાં ઘૂસીને આશરે 1.8 થી 2 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે.ફેક્ટરીના સંચાલકો પાસેથી મળતી માહિતી મુજબ, રાત્રીના અંધકારનો લાભ લઈ અજાણ્યા શખ્સો ફેક્ટરીમાંથી ઇલેક્ટ્રિક પેનલ, 7 નાની મોટર અને આશરે 150 kg જેટલો કોપર કેબલ તેમજ કોપરની પટ્ટી વગેરે સામાન ચોરી ગયા છે. ચોરીની આ ઘટના બાદ ફેક્ટરીના પરિસરમાંથી ચોરની એક મોટી છરી પણ મળી આવી હતી. બનાવની જાણ થતાં તાલુકા પોલીસ ઘટનાસ્થળે તપાસ માટે આવી હતી, ત્યારે ફેક્ટરી સંચાલકો દ્વારા આ છરી પોલીસને સોંપી દેવામાં આવી છે. આમ છતાં, પોલીસે હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર ફરિયાદ (FIR) નોંધી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે, આ ફેક્ટરીમાં અગાઉ પણ તસ્કરોએ હાથફેરો કરવાનો પ્રયાસ કર્યો હતો. ગત 23 જાન્યુઆરી 2026 ના રોજ આ જ જગ્યાએ ચોરીની ઘટના બની હતી. જે અંગે ફેક્ટરીના પાર્ટનર ભાવેશ શેઠ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિતમાં જાણ કરવામાં આવી હતી અને રાત્રીના સમયે પેટ્રોલિંગ વધારવા માંગ કરવામાં આવી હતી.જાન્યુઆરી મહિનામાં લેખિત જાણ કરવામાં આવી હોવા છતાં અને હવે ફરીથી લાખો રૂપિયાની ચોરીની ઘટના બનવા છતાં હજુ સુધી પોલીસ દ્વારા ફરિયાદ ન નોંધાતા અને કોઈ નક્કર કાર્યવાહી ન થતા ફેક્ટરી સંચાલકોમાં ભારે રોષ અને નિરાશા જોવા મળી રહી છે. ઔદ્યોગિક વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ સત્વરે ગુનો નોંધીને તસ્કરોને ઝડપી પાડે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Theft #CrimeNews #Ghuntu #HalvadHighway #MorbiPolice #LawAndOrder