મોરબી ક્રાઇમબ્રાન્ચની ટીમે વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી વોચ ગોઠવી ચોરીના તમામ મુદામાલ સાથે બે સરદારજીને દબોચી લીધા મોરબી : વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામે તેમજ ટંકારા શહેરમાં થયેલી ઘરફોડ ચોરીની ઘટનામાં બાતમીને આધારે મોરબી ક્રાઇમબ્રાન્ચની ટીમે શાતીર દિમાગ ધરાવતા અઠંગ ચોરને વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી નંબર પ્લેટ વગરના પલ્સર મોટર સાયલક સાથે ઝડપી લઈ ચોરીમાં ગયેલ તમામ મુદામાલ કબ્જે કર્યો હતો.રાત્રીના સમયે બંધ મકાનને જ નિશાન બનાવતા તસ્કરો પોતાની ઓળખ છતી ન થાય અને પોતાની ઓળખ ન મળે તે માટે ચોરી કરવા સમયે મોબાઈલ ફોન પણ સાથે ન રાખતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.5 ઓગસ્ટના રોજ વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામે રહેતા ફાતેમાબેન ઉસ્માનભાઈ માણસિયાના રહેણાંકમાંથી તસ્કરો 1.35 લાખની રોકડ તેમજ સોનાચાંદીના દાગીના મળી 1.71 લાખની ચોરી કરી ગયા હતા.એ જ રીતે ગત તા.8 ઓગસ્ટના રોજ ટંકારા શહેરમાં બાલમુકુંદ હવેલી સામે રહેતા વિનોદભાઈ મુળજીભાઈ ગોહેલના મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને 10 હજાર રોકડા સહિત 98,305 રૂપિયાની માલમતા ચોરી કરી ગયા હતા.બન્ને બનાવમાં સ્થાનિક પોલીસની સાથે મોરબી ક્રાઇમબ્રાન્ચની ટીમે પણ તપાસ શરૂ કરી હતી.દરમિયાન મોરબી ક્રાઇમબ્રાન્ચની ટીમને સચોટ બાતમી મળી હતી કે, બન્ને ચોરીને અંજામ આપનાર તસ્કરો એક જ છે જેથી બાતમીદારો મારફતે તસ્કરોની કુંડળી કાઢતા આ તસ્કરો બાઉન્ડ્રી પાસેથી પસાર થવાના હોવાની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી નંબર વગરનું બાઈક લઈને પસાર થતા આરોપી જયસિંઘ ઉર્ફે રાણા શેરાસિંઘ બાવરી રહે.વડોદરા અને આરોપી અર્જુનસિંઘ હીરાસિંહ પટવા રહે.બાવળા, અમદાવાદ વાળાને ઝડપી લઈ પૂછતાછ કરતા બન્ને ચોરી કર્યાની કબૂલાત આપતા પોલીસે આરોપીઓ પાસેથી વાંકાનેરના વઘાસીયા ગામની ચોરીની ઘટનામાં સોના-ચાંદીના દાગીના તેમજ ચોરીમાં ઉપયોગમાં લીધેલ બાઈક સહિત કુલ રૂપિયા 4.39 હજારનો મુદામાલ કબ્જે કરી ટંકારાના ચોરીના બનાવામાં રૂ.રોકડ રકમ 10 હજાર સહિત 1.03 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. આરોપીઓ રાત્રીના સમયે બંધ મકાનને નિશાન બનાવી ચોરી કરી વતન ભાગી જવાની મોડ્સઓપરેન્ડી ધરાવતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.