ઘરનો દરવાજો તોડી મહિલાએ ભિક્ષાવૃત્તિથી ભેગા કરેલા નાણાં ચોરાઈ જતા પાડોશીએ ફરિયાદ નોંધાવી વાંકાનેર : વાંકાનેર શહેરમાં જિનપરા વિસ્તારમાં રહેતા એક નિરાધાર માનસિક અસ્થિર મહિલાના ઘરને નિશાન બનાવી તસ્કરોએ ભિક્ષાવૃત્તિથી મહિલાએ એકત્રિત કરેલ મરણ મૂડી સમાન રૂપિયા 50 હજારની ચોરી કરી જતા બનાવ અંગે મહિલાની દેખરેખ રાખતા પાડોશીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરમાં જિનપરા ગૌશાળા રોડ પર રહેતા રમેશભાઈ બચુભાઇ મકવાણાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.12 ઓગસ્ટના રોજ કોઈ અજાણ્યા તસ્કરોએ તેમના પાડોશમાં રહેતા નિર્મળાબેન મગનભાઈ ગોહેલના મકાનના તાળા તેમજ બરસાખ તોડી નિર્મળાબેને ભિક્ષાવૃત્તિ કરીને મેળવેલા રૂપિયા 50 હજારની ચોરી કરી ગયા હતા.વધુમાં ફરિયાદમાં રમેશભાઈએ જાહેર કર્યું હતું કે, નિર્મળાબેનના પતિના અવસાન બાદ તેમની માનસિક હાલત બગડી જતા તેઓ નિયમિત ઘરે આવતા ન હોય અને સંતાન પણ ન હોય પાડોશી નાતે તેઓ કેરટેકર તરીકે તેમની દરકાર રાખે છે. સાથે જ નિર્માળાબેન ત્રણ ચાર દિવસથી ઘેર આવ્યા ન હોય તસ્કરોએ ઘરમાં પડેલી 50 હજારની રોકડ ચોરી જતા બનાવ અંગે પોલીસે રમેશભાઈની ફરિયાદના આધારે ગુન્હો દાખલ કર્યો છે.