ગામમાં અગાઉ DLVC દર મુજબ પ્રતિ ચોરસ મીટર Rs 979 નો ભાવ મળવાપાત્ર હતો, જે હવે માર્કેટ રેટ કમિટી દ્વારા Rs 1400 થી1900 નક્કી કરવામાં આવ્યો : હાલ જિલ્લાના 6 ગામોના તમામ ખેડૂતો સહમત, કોઈ ગામમાં ખેડૂત ઈચ્છે તો વ્યક્તિગત પણ આવી શકે : સ્વપ્નિલ ખરેએ MRC કમિટી અંગે જાહેર કરી માહિતીમોરબી અપડેટ : રાજ્ય સરકારના પરિપત્ર મુજબ વીજ ટ્રાન્સમિશન લાઈનમાં જતી ખેડૂતોની જમીનના વળતર માટે મોરબી જિલ્લામાં માર્કેટ રેટ કમિટી (MRC) કાર્યરત કરવામાં આવી છે. આ અંગે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા પત્રકાર પરિષદ યોજી વિસ્તૃત વિગતો આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોને અન્યાય ન થાય અને બજારભાવ મુજબ પૂરતું વળતર મળે તે માટે વહીવટી તંત્ર દ્વારા પારદર્શક પદ્ધતિથી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.કલેક્ટર સ્વપ્નિલ ખરેએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, છેલ્લા 4 થી 5 અઠવાડિયાથી માર્કેટ રેટ કમિટીની વિવિધ બેઠકો યોજાઈ રહી છે. તાજેતરમાં યોજાયેલી બેઠકમાં ખેડૂત પ્રતિનિધિ, ટ્રાન્સમિશન કંપનીના પ્રતિનિધિ અને માન્ય વેલ્યુઅર્સની હાજરીમાં વળતરના દર નક્કી કરવામાં આવ્યા છે. જેમાં વેગડવાવ ગામના 15 સર્વે નંબરનું મૂલ્યાંકન પૂર્ણ કરવામાં આવ્યું છે. વેગડવાવ ગામમાં અગાઉ DLVC દર મુજબ પ્રતિ ચોરસ મીટર Rs 979 નો ભાવ મળવાપાત્ર હતો, જે હવે માર્કેટ રેટ કમિટી દ્વારા Rs 1400 થી Rs 1900 નક્કી કરવામાં આવ્યો છે. ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે સર્વે નંબર 150 P9 માં જૂની પદ્ધતિ મુજબ ખેડૂતને આશરે Rs 14,74,000 મળવાપાત્ર હતા, પરંતુ નવી પદ્ધતિ મુજબ તેમને Rs 58.61 લાખનું વળતર ચૂકવાશે, જે અંદાજે 4.02 ગણું એટલે કે ચાર ગણાથી પણ વધુ છે.વળતરની ચૂકવણી અંગે સ્પષ્ટતા કરતા કલેક્ટરે જણાવ્યું હતું કે, કમિટીની મિનિટ્સ પ્રસિદ્ધ થયા બાદ આગામી 7 થી 10 દિવસની અંદર તમામ અસરગ્રસ્ત ખેડૂતોના બેંક ખાતામાં વળતરની રકમ સીધી જમા કરાવી દેવામાં આવશે. ખેડૂતોને વળતર ચૂકવાઈ ગયા બાદ જ ટ્રાન્સમિશન કંપની દ્વારા આગળની કોઈપણ કામગીરી શરૂ કરવામાં આવશે તેવી કડક સૂચના કંપની પ્રતિનિધિઓને આપી દેવામાં આવી છે.આ સમગ્ર પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા IBBI માન્ય 84 વેલ્યુઅર્સનો સંપર્ક કરાયો હતો, જેમાંથી હાલ 20 થી 25 નિષ્ણાત વેલ્યુઅર્સની પેનલ બનાવવામાં આવી છે. નિયમ મુજબ સરકારના, કંપનીના અને ખેડૂતના એમ કુલ 3 વેલ્યુઅર્સ હાજર રહે છે. ખેડૂતો ઉપલબ્ધ પેનલમાંથી પોતાનો મનપસંદ વેલ્યુઅર પસંદ કરી શકે છે અથવા પોતાની રીતે પણ IBBI માન્ય અન્ય કોઈ વેલ્યુઅરને લાવી શકે છે. જમીન રોડ ટચ છે કે અંદરના ભાગમાં આવેલી છે અને વાસ્તવિક માર્કેટ ટ્રાન્ઝેક્શન શું છે તે તમામ ગ્રાઉન્ડ રિયાલિટી ચકાસીને જ જમીનનું મૂલ્યાંકન કરવામાં આવે છે.જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ મોરબી જિલ્લાના તમામ અસરગ્રસ્ત ખેડૂતોને અપીલ કરતા જણાવ્યું હતું કે હાલ જિલ્લાના 6 ગામોના તમામ પ્રતિનિધિઓ સહમત થઈ ચૂક્યા છે અને આગામી 1 અઠવાડિયામાં આ ગામોનું સંપૂર્ણ મૂલ્યાંકન પૂર્ણ કરાશે. સમગ્ર ગામના પ્રતિનિધિઓ ઉપરાંત કોઈ વ્યક્તિગત ખેડૂત પણ જો સીધા જોડાવા માંગતા હોય તો તેમનું સ્વાગત છે. દર શુક્રવારે બપોરે 3:00 વાગ્યે કલેક્ટર કચેરી ખાતે માર્કેટ રેટ કમિટીની બેઠક યોજાય છે, જેમાં ખેડૂતો સીધા આવીને પોતાની જમીનનું વ્યાજબી મૂલ્યાંકન કરાવી વળતર મેળવી શકે છે.વીજ ટાવર અને લાઈન માટે મળતા વળતર મુદ્દે ખેડૂતે વ્યક્ત કર્યો સંતોષવીજ ટાવર અને લાઈન હેઠળ આવતી જમીનના વળતર મુદ્દે ખેડૂત ચાવડા ભાવેશ બળદેવભાઈએ જણાવ્યું હતું કે તેમની 3 અલગ-અલગ સર્વે નંબરની જમીન છે, જેમાંથી એકમાં ટાવર અને અન્યમાં વીજ લાઈન પસાર થાય છે. અગાઉ તેમને 761 ના ભાવ લેખે વળતર મળતું હતું. ટાવર વાળી જમીનમાં પહેલા 15.5 લાખ રૂપિયા આસપાસ વળતર મળતું હતું, જે હવે વધીને 44.5 લાખ રૂપિયા જેટલું થશે. જ્યારે ટાવર વગરની અને માત્ર તાર હેઠળની જમીનોમાં એક જગ્યાએ જ્યાં પહેલા 9 લાખ મળતા હતા ત્યાં હવે 20 લાખ રૂપિયા મળશે અને અન્ય એક જગ્યાએ જ્યાં 17 લાખ આસપાસ મળતા હતા ત્યાં હવે 40 લાખ રૂપિયાની આસપાસ વળતર મળશે. MRC કમિટી દ્વારા લેવાયેલા આ નિર્ણયથી તેઓએ સંપૂર્ણપણે સંતોષ વ્યક્ત કર્યો છે. હાલમાં કેટલાક વિસ્તારોમાં ચાલી રહેલા આંદોલન વિશે પૂછવામાં આવતા તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ કે તેમના ગામના લોકો મોટાભાગે આ આંદોલન સાથે જોડાયેલા નથી. તેઓ પહેલા મળતા વળતરથી પણ કોઈ વાંધો ધરાવતા ન હતા, પરંતુ હવે વળતરમાં થયેલા આ ધરખમ વધારાથી તેમની ખુશી બમણી થઈ ગઈ છે.#Morbi #MorbiUpdate #MorbiCollector #SwapnilKhare #FarmerCompensation #PowerGridLine #AdaniTransmission #GETCO #GujaratNews