પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે ધ્વજવંદન: પ્રથમ વખત ગ્રામ્ય કક્ષાએ ઉજવણી અને સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓનું કરાયું સન્માનમોરબી અપડેટ : મોરબી જિલ્લામાં 80 માં સ્વાતંત્ર્ય પર્વની આન, બાન અને શાન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ વર્ષે જિલ્લા કક્ષાનો મુખ્ય ધ્વજવંદન સમારોહ માળિયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવ્યો હતો. જ્યાં જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાની પ્રેરક ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને પર્વની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી.આ પ્રસંગે પ્રભારી મંત્રીએ દેશ માટે શહીદ થનાર વીરો અને મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. તેમણે શ્રીમદ્ રાજચંદ્રજીની પાવન ભૂમિ અને વિશ્વભરમાં 'સિરામિક સિટી' તરીકે ઓળખાતા મોરબીના ખુમારી અને ઉદ્યોગ સાહસિકતાના વારસાને બિરદાવ્યો હતો અને મોરબીને વિકસિત ભારતનું ગ્રોથ એન્જિન જણાવ્યું હતું. મંત્રીએ જણાવ્યું હતું કે, ડબલ એન્જિન સરકારના જનકલ્યાણકારી અભિગમથી મોરબીમાં શિક્ષણ, આરોગ્ય, માળખાકીય સુવિધાઓ અને ઉદ્યોગોનો અભૂતપૂર્વ વિકાસ થઈ રહ્યો છે. તેમણે 'વિકસિત ભારત @ 2047' ના સંકલ્પને સાકાર કરવા દરેક નાગરિકને સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક સમરસતા થકી રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.આ સમારોહ દરમિયાન શાનદાર દેશભક્તિ અને સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ અવસરે મંત્રીના હસ્તે કલેક્ટર સ્વપ્નિલ ખરેને માળિયા તાલુકાના વિકાસ અર્થે રૂ. 25 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.વિવિધ તાલુકા કક્ષાએ થયેલી ઉજવણીજિલ્લા કક્ષા ઉપરાંત તમામ તાલુકા મથકોએ પણ રાષ્ટ્રીય પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.* મોરબી તાલુકો: રાજપર ગામમાં આવેલી રાજપર પ્રાથમિક શાળા ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો.* ટંકારા તાલુકો: સજનપર ગામની સજનપર પ્રાથમિક શાળા ખાતે ઉજવણી કરવામાં આવી.* વાંકાનેર તાલુકો: કણકોટ ગામમાં આવેલ કણકોટ હાઇસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય ઉજવણી થઈ.* હળવદ તાલુકો: ઘનશ્યામપુર સ્થિત ઘનશ્યામપુર પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો રાષ્ટ્રીય પર્વ ઉજવાયો.પ્રથમ વખત ગ્રામ્ય લેવલે ઉજવણી અને સંસ્થાઓનું સન્માનસામાન્ય રીતે રાષ્ટ્રીય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી તાલુકા મથકે અથવા નગરપાલિકા કે મહાનગરપાલિકા વિસ્તારમાં થતી હોય છે. પરંતુ આ વખતે પ્રથમ વખત જ મોરબી જિલ્લામાં મોટા દહીંસરા જેવા ગ્રામ્ય વિસ્તારમાં આ ઉજવણી કરવામાં આવી. આ ઉપરાંત, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વિવિધ કચેરીઓના સરકારી કર્મચારીઓની સાથે સાથે પ્રથમ વખત જ વહીવટીતંત્ર દ્વારા સમાજમાં યોગદાન આપનાર સેવાભાવી સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.અન્ય સ્થળોએ ધ્વજવંદન કાર્યક્રમોજિલ્લા અને તાલુકા કક્ષાની ઉજવણી ઉપરાંત મોરબી મહાનગરપાલિકા ખાતે મેયરના હસ્તે, જિલ્લા પંચાયત કચેરી ખાતે પ્રમુખના હસ્તે તેમજ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે પણ શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે જિલ્લાની વિવિધ શાળા-કોલેજો, ફેક્ટરીઓ અને અન્ય સંસ્થાનોમાં પણ દેશભક્તિના માહોલ વચ્ચે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો.પૂર્વ આયોજન અને માર્ગદર્શનઆ ભવ્ય ઉજવણી પૂર્વે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ સ્થળે આયોજનબદ્ધ રિહર્સલ પણ યોજવામાં આવ્યું હતું. જેમાં પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, નાયબ વન સંરક્ષક ડો. સુનિલકુમાર બેરવાલ, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર અને પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં ધ્વજવંદન પ્રોટોકોલ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને બેઠક વ્યવસ્થાની ઝીણવટભરી ચકાસણી કરી કાર્યક્રમને સફળ બનાવવા સચોટ સંકલન સાધવામાં આવ્યું હતું.આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન મનીષ કાંજીયા, કલેક્ટર સ્વપ્નિલ ખરે, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, નાયબ વન સંરક્ષક ડૉ. સુનિલકુમાર બેરવાલ, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નવલદાન ગઢવી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.#Morbi #MorbiUpdate #MorbiNews #IndependenceDay #MotaDahisara #MaliyaMiyana #GujaratNews #15thAugust