ટંકારા (મોરબી અપડેટ) : સ્વાતંત્ર્ય પર્વ અને પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ટંકારાના પ્રસિદ્ધ શિવાલય નિલકંઠ મહાદેવ મંદિરમાં શિવભક્તિ સાથે દેશભક્તિનો અદ્ભુત સંગમ જોવા મળ્યો છે. મહાદેવ મંદિરમાં ત્રિરંગાની રોશની અને રાષ્ટ્રધ્વજ સાથે દિવ્ય તેમજ આકર્ષક વાતાવરણ સર્જાયું હતું.સ્વતંત્રતા દિવસ નિમિત્તે મંદિરને ત્રિરંગાની થીમ આધારિત લાઇટિંગ અને ફૂલોથી સજાવવામાં આવ્યું હતું. શ્રાવણ માસની પવિત્રતા વચ્ચે દેશની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે ‘હર હર મહાદેવ’ અને ‘વંદે માતરમ્’ના જયઘોષ સાથે અલૌકિક દૃશ્યો સર્જાયા હતા. ભક્તિ અને દેશભક્તિનો આ સંગમ ભક્તોને આકર્ષી રહ્યો છે. નિલકંઠ મહાદેવ મંદિર ટંકારાના જગવિખ્યાત શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના પરિસરમાં આવેલું છે. આ મંદિરની સેવા-પૂજા નારણગિરી ગૌસ્વામી પરિવાર દ્વારા કરવામાં આવે છે.