શહેરના વિકાસકામોની સમીક્ષા કરાઈ : ફાયર રિપોર્ટની સમીક્ષા સાથે અગાઉના કામો ઝડપથી પૂર્ણ કરવા સૂચનામોરબી અપડેટ: મોરબી મહાનગરપાલિકા ખાતે સ્ટેન્ડિંગ કમિટીની મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં અગાઉની સ્ટેન્ડિંગ કમિટીના બાકી રહેલા મુદ્દાઓને બહાલી આપવામાં આવી હતી. આ ઉપરાંત ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા રજૂ કરવામાં આવતા પખવાડિક ફાયર રિપોર્ટની સમીક્ષા કરી આગ લાગવાના બનાવો અને હાથ ધરાયેલી કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી.સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયાના જણાવ્યા અનુસાર બેઠકમાં વાડી વિસ્તારમાં પાયાની સુવિધાઓ અને સ્થાનિક જરૂરિયાત મુજબના પ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવવા માટે સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ સાથે મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થયેલા ત્રાજપર વિસ્તારના મિલકત વેરામાં રહેલી વિસંગતતા દૂર કરવા બાબતે પણ વિભાગીય અધિકારીઓ સાથે ચર્ચા હાથ ધરવામાં આવી હતી. અગાઉ રજૂ થયેલા મુદ્દાઓ અંગે વિવિધ વિભાગના HOD પાસેથી કામની વર્તમાન સ્થિતિ જાણીને તમામ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા તાકીદ કરાઈ હતી.હાલ મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ચાલી રહેલા વિકાસકામો અંગે માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યું હતું કે, હાલ 9 થી 11 જેટલા મોટા વિકાસકામો ચાલી રહ્યા છે. જેમાં બાગ-બગીચા, નવું વર્કશોપ, ફાયર સ્ટેશન અને ગેરેજ શાખાના મકાન નિર્માણની કામગીરી પ્રગતિ હેઠળ છે. આ ઉપરાંત નંદીઘર ખાતે CC રોડનો મોટો પ્રોજેક્ટ તેમજ શહેરના વિવિધ સર્કલોના ડેવલપમેન્ટના કામો ચાલી રહ્યા છે. તેમજ લાઈબ્રેરી માટે મળેલી 2 ગ્રાન્ટના કામો તેમજ 3 નવા PHC (પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર) ના નિર્માણ કાર્ય પણ મનપા હેઠળ પુરજોશમાં ચાલી રહ્યા છે.#Morbi #MorbiUpdate #MorbiMunicipalCorporation #StandingCommittee #MMC #CityDevelopment #MorbiNews #GujaratNews