જાણો ભારતીય રાષ્ટ્રીય ધ્વજના ઉપયોગ અને પ્રદર્શન અંગેની ગાઈડલાઈન...મોરબી અપડેટ : ભારતીય રાષ્ટ્રીય ધ્વજ એ સમગ્ર દેશના નાગરિકોની આશાઓ, આકાંક્ષાઓ અને દેશપ્રેમનું પ્રતિનિધિત્વ કરતું રાષ્ટ્રીય પ્રતીક છે. રાષ્ટ્રીય ધ્વજ પ્રત્યે દેશવાસીઓમાં સર્વવ્યાપી સ્નેહ, આદર અને સમર્પણની ભાવના રહેલી છે. પરંતુ, રાષ્ટ્રીય ધ્વજની યોગ્ય માન-મર્યાદા જળવાઈ રહે તે સમગ્ર દેશવાસીઓની નૈતિક જવાબદારી છે.રાષ્ટ્રીય ધ્વજનો આદર જળવાઈ રહે તે માટે ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા નાગરિકોમાં રાષ્ટ્રધ્વજના ઉપયોગ, પ્રદર્શન અને સન્માન સંબંધિત કાયદાકીય નિયમો વિશે માર્ગદર્શિકાજાહેર કરવામાં આવી છે. ભારતીય રાષ્ટ્રીય ધ્વજને ફરકાવવાનું, ઉપયોગ કરવાનું કે પ્રદર્શિત કરવાનું નિયંત્રણ 'રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમ, ૧૯૭૧' અને 'ભારતના ફ્લેગ કોડ, ૨૦૦૨' દ્વારા થાય છે.*'ભારતના ફ્લેગ કોડ, ૨૦૦૨'ના મુખ્ય નિયમો:** *કાપડ અને બનાવટ:* ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા, ૨૦૦૨માં વર્ષ ૨૦૨૧માં સુધારો કરવામાં આવ્યો હતો. જે મુજબ પોલિએસ્ટર અથવા મશીનથી બનેલા રાષ્ટ્રીય ધ્વજની મંજૂરી આપવામાં આવી છે. હવે, રાષ્ટ્રીય ધ્વજ હાથથી કાંતેલા, હાથથી વણેલા અથવા મશીનથી બનેલા સુતરાઉ, પોલિએસ્ટર, ઊન કે રેશમ ખાદીના કાપડમાંથી બનાવી શકાશે.* *ધ્વજ પ્રદર્શિત કરવાનો અધિકાર:* જાહેર જનતાનો કોઈ સભ્ય, ખાનગી સંસ્થા કે શૈક્ષણિક સંસ્થા રાષ્ટ્રીય ધ્વજની ગરિમા અને સન્માનને અનુરૂપ, તમામ દિવસોમાં અને પ્રસંગોએ ઔપચારિક કે અન્યથા રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી અથવા પ્રદર્શિત કરી શકે છે.* *રાત-દિવસ ધ્વજ ફરકાવવાની છૂટ:* ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા, ૨૦૦૨માં વર્ષ ૨૦૨૨માં સુધારો કરવામાં આવ્યો હતો. જે મુજબ જ્યાં ધ્વજ ખુલ્લામાં પ્રદર્શિત થાય છે અથવા જાહેર જનતાના કોઈ સભ્યના ઘર પર પ્રદર્શિત થાય છે, ત્યાં તેને દિવસ અને રાત ફરકાવી શકાય છે, તેવી કલમ ઉમેરવામાં આવી હતી.* *આકાર અને ગુણોત્તર:* રાષ્ટ્રીય ધ્વજ આકારમાં લંબચોરસ હોવો જોઈએ. ધ્વજ કોઈપણ કદનો હોઈ શકે છે, પરંતુ ધ્વજની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર ૩:૨ હોવો જોઈએ.* *સન્માનજનક સ્થાન:* જ્યારે પણ રાષ્ટ્રીય ધ્વજ પ્રદર્શિત થાય, ત્યારે તે સન્માનજનક સ્થાન ધરાવતો હોવો જોઈએ અને સ્પષ્ટ રીતે મૂકાયેલો હોવો જોઈએ.* *ક્ષતિગ્રસ્ત ધ્વજ પર પ્રતિબંધ:* ક્ષતિગ્રસ્ત, અસ્તવ્યસ્ત, કરચલીવાળો કે મેલો ધ્વજ પ્રદર્શિત કરવો જોઈએ નહીં.* *એક જ સ્તંભ પર અન્ય ધ્વજ ન રાખવો:* ધ્વજને એક જ સ્તંભ કે કાઠી પરથી અન્ય કોઈ ધ્વજ કે ધ્વજો સાથે એકસાથે ફરકાવવો જોઈએ નહીં.* *વાહનો પર ધ્વજ લગાડવાની મર્યાદા:* ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા, ૨૦૦૨માં ઉલ્લેખિત રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્યપાલ વગેરે જેવા મહાનુભાવો સિવાયના કોઈ પણ વાહન પર ધ્વજ ફરકાવવો જોઈએ નહીં.* *અન્ય પતાકા કે ધ્વજનું સ્થાન:* રાષ્ટ્રીય ધ્વજની ઉપર, તેની ઊંચાઈએ અથવા તેની બાજુમાં અન્ય કોઈ ધ્વજ કે પતાકા મૂકવા જોઈએ નહીં.રાષ્ટ્રીય ધ્વજના સન્માન અને માર્ગદર્શિકા અંગેની વધુ વિગતવાર માહિતી માટે 'રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમ, ૧૯૭૧' અને 'ભારતના ફ્લેગ કોડ, ૨૦૦૨' ગૃહ મંત્રાલયની અધિકૃત વેબસાઇટ www.mha.gov.in પર ઉપલબ્ધ છે.