પાણીના કુદરતી વહેણમાં અવરોધ, ટ્રાફિક અને રેલ્વે જમીનની ગૂંચવણ ઊભી થવાની ભીતિ: ભડીયાદ કે ધરમપુરના સરકારી ખરાબામાં આવાસ બનાવવાની માંગ સાથે સ્થાનિકોની મ્યુનિ. કમિશનર અને મેયરને રજુઆત મોરબી અપડેટ: મોરબીના સામાકાંઠા વિસ્તારની અનંતનગર, વર્ધમાનનગર, ગીરીરાજ, સરસ્વતી સોસાયટી અને વિદ્યુતનગર સોસાયટીના રહીશો દ્વારા મહેન્દ્રનગર સર્વે નંબર 155/1-2 વિદ્યુતનગર સુધીના વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) અંતર્ગત મકાનો બાંધવાનું આયોજન રદ કરી તેને અન્ય વૈકલ્પિક સ્થળે ખસેડવા માંગ કરવામાં આવી છે. આ મામલે તેઓએ મ્યુનિસિપલ કમિશનર અને મેયરને રજુઆત કરી છે. રહીશોએ રજૂઆતમાં સ્પષ્ટ કર્યું છે કે તેઓ વિકાસના વિરોધી નથી, પરંતુ અયોગ્ય જગ્યાએ થતું આયોજન લાંબે ગાળે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ યોજનાનો વિરોધ કરવા માટે રહીશોએ મુખ્ય 3 કારણો દર્શાવ્યા છે: • રેલ્વે વિભાગની જમીન: સૂચિત જમીનનો મોટો હિસ્સો રેલ્વે લાઈનને અડીને આવેલો હોય ભવિષ્યમાં રેલ્વેના વિસ્તૃતિકરણ સમયે કાનૂની ગૂંચવણો ઊભી થવાની પૂરેપૂરી શક્યતા છે. • કુદરતી પાણીનું વહેણ: મહેન્દ્રનગર ગામની સીમ અને આજુબાજુની સોસાયટીઓનું પાણી આ વિસ્તારમાંથી પસાર થઈ કાલીન્દ્રી નદીમાં જાય છે. અહીં મોટું બાંધકામ થતાં ચોમાસા દરમિયાન પાણીના નિકાલમાં અવરોધ ઊભો થશે અને સોસાયટીઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાશે. • ટ્રાફિક અને પ્રાથમિક સુવિધાઓની સમસ્યા: ગીચ વિસ્તારમાં આવાસ યોજના આવવાથી જનસંખ્યા વધતા ટ્રાફિક, પાર્કિંગ, ગંદકી અને પ્રાથમિક સુવિધાઓની ગંભીર સમસ્યાઓ સર્જાઈ શકે છે.વૈકલ્પિક સ્થળ અને જમીનના યોગ્ય ઉપયોગ માટેના સૂચનો:સ્થાનિકોએ સૂચન કર્યું છે કે આવાસ યોજના માટે આ જગ્યા પસંદ કરવાને બદલે ભડીયાદ ગામના સરકારી ખરાબામાં અથવા ધરમપુર ગામના સરકારી ખરાબાની વિશાળ જમીનમાં આ યોજના ખસેડવામાં આવે તો ગરીબ પરિવારોને ખુલ્લા વાતાવરણમાં સુવિધા મળી રહેશે.આ ઉપરાંત સર્કિટ હાઉસ અને સરકારી કચેરીઓ નજીક હોવાથી વર્તમાન જગ્યા પર સરકારી અધિકારીઓના નિવાસસ્થાનો, મહારાણા પ્રતાપ સર્કલ પાસે ટ્રાફિકનું ભારણ ઘટાડવા આધુનિક બસ સ્ટેન્ડ અથવા સુવ્યવસ્થિત શોપિંગ સેન્ટર/શાક માર્કેટ જેવું નિર્માણ કરવામાં આવે તો મહાનગરપાલિકાની આવકમાં પણ વધારો થશે. આથી લોકહિતમાં આ બાબતે તટસ્થ તપાસ કરાવી પ્રધાનમંત્રી આવાસ યોજના અન્યત્ર ખસેડવા નિર્ણય લેવા અપીલ કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MorbiMunicipalCorporation #PMAY #CircuitHouse #Samakanta #ResidentRepresentation #MorbiNews #GujaratNews