કચ્છના શિકારપુર ગામેથી ઘેટા વેચાતા આપનાર તેમજ મોરબી ખાતે ઘેટા લેનાર સુધી તપાસ મોરબી : મોરબીના ગૌસેવકોએ માળીયા હાઇવે પર રવિરાજ ચોકડી પાસેથી મોરબી તાલુકા પોલીસની મદદથી ઇકો કારમાં કતલખાને ધકેલાઈ રહેલા 15 ઘેટાના જીવ બચાવી લેવા પ્રકરણમાં મોરબી તાલુકા પોલીસે જીવદયા પ્રેમીની ફરિયાદના આધારે કચ્છના શિકારપુર ગામેથી ઘેટા વેચાતા આપનાર, ઘેટાનું પરિવહન કરનાર તેમજ કતલ માટે ઘેટા મંગાવનાર મોરબીના આરોપી સહિત ચાર વિરુદ્ધ ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.મોરબી - માળીયા હાઇવે પર રવિરાજ ચોકડી પાસેથી ગૌસેવકોએ મોરબી તાલુકા પોલીસની મદદથી જીજે - 39 - સીબી -4056 નંબરની ઇકો કારમાં ક્રુરતા પૂર્વક લઈ જવામાં આવી રહેલા 15 ઘેટાઓ સાથે આરોપી ઇમરાનશા સુલતાનશા શેખ અને સબીરહુસેન ઉમરશા શેખ રહે. શિકારપુર, કચ્છ વાળાઓને ઝડપી લીધા હતા.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગૌસેવક ખુશાલભાઈ સુરેશભાઈ વડાલીયાની ફરિયાદના આધારે કુલ ચાર આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો.વધુમાં કચ્છના શિકારપુરથી ઇકો કારમાં ઘેટા લઈને મોરબી આવી રહેલા આરોપી ઇમરાનશા સુલતાનશા શેખ અને સબીરહુસેન ઉમરશા શેખની પૂછપરછમાં બન્ને આરોપીઓએ આ ઘેટા શિકારપુરના રહેવાસી પૂંજાભાઈ હાજાભાઈ રબારીએ ઘેટા ભરી આપ્યા હોવાનું તેમજ મોરબીના ખાટકીવાસમાં રહેતા આરોપી ગુલામહુસેન ઉર્ફે અભરામભાઈ ઇસ્માઇલભાઈ કથરોટિયાએ ઘેટા મંગાવ્યા હોવાનું કબુલતા પોલીસે ઘેટા આપનાર, મંગાવનાર તેમજ પરિવહન કરનાર ચારેય આરોપીઓ વિરુદ્ધ પશુ પ્રત્યે ક્રુરતા નિવારણ અધિનિયમ અન્વયે ગુંન્હો દાખલ કરી કાનૂની કાર્યવાહી કરી હતી.