બાઈક ચાલક અકસ્માત સર્જી નાસી જતા પરપ્રાંતીયનું મૃત્યુ નીપજ્યુંટંકારા : ટંકારા તાલુકાના છતરથી વાછકપર ગામ તરફ જવાના રસ્તે ગત તા.11 ના રોજ બપોરના સમયે બાઈક લઈને જઈ રહેલા પરપ્રાંતીય યુવકને બાઈક ચાલકે ટક્કર મારી દેતા આ અકસ્માતમાં પરપ્રાંતીય બાઈક ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માત બાદ બાઈક ચાલક નાસી જતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.અકસ્માતના બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના છતર નજીક ફેકટરી ધરાવતા રાજકોટના રહેવાસી અક્ષિલભાઈ દિલીપભાઈ પટેલે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.11ના રોજ બપોરના સમયે તેમના કારખાનામાં કામ કરતા રોહિતકુમાર સંતોષ રાય પોતાનું જીજે - 03 - એડી - 0675 નંબરનું બાઈક લઈને જતા હતા ત્યારે વાછકપર - છતર રોડ પર જીજે - 36 - એએચ - 9406 નંબરના બાઈક ચાલકે પુરપાટ ઝડપે પોતાનું બાઈક ચલાવી સતોષકુમારના બાઈક સાથે અકસ્માત સર્જતાં ગંભીર ઇજાઓ થતા સંતોષકુમારનું મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માત બાદ બાઈક ચાલક નાસી જતા બનાવ અંગે અક્ષીલભાઈએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.