શાળા અને હોસ્ટેલના દિવસોની યાદો તાજી કરી: સમયના લાંબા અંતરાલ બાદ પણ બાળપણની મિત્રતા અકબંધ રહીમોરબી અપડેટ : મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના SSC 1994ની બેચના વિદ્યાર્થીઓનું 32 વર્ષ બાદ એક અવિસ્મરણીય સ્નેહમિલન યોજાયું હતું. વર્ષ 1994માં ધોરણ 10 પાસ કરીને જુદી જુદી દિશામાં આગળ વધેલા આ બાળપણના મિત્રો ત્રણ દાયકાથી વધુ સમય બાદ ફરી એક જ મંચ પર ભેગા થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.જૂની યાદોનો પટારો ખુલ્યોઆ સ્નેહમિલન કાર્યક્રમમાં મિત્રોએ શાળાના દિવસો, વર્ગખંડની ધમાલ, હોસ્ટેલમાં સાથે રહીને કરેલી મસ્તી અને મિત્રો સાથે નાસ્તો વહેંચીને ખાવાની મજાને તાજી કરી હતી. વર્તમાન સમયમાં આ તમામ મિત્રો વેપારી, શિક્ષક, ઉદ્યોગપતિ કે સરકારી સેવા જેવા વિવિધ ક્ષેત્રોમાં પોતાની પારિવારિક અને વ્યાવસાયિક જવાબદારીઓમાં વ્યસ્ત છે. સમયની સાથે કોઈના વાળ સફેદ થઈ ગયા છે તો કોઈના ચહેરા પર ઉંમરની રેખાઓ ઉપસી આવી છે, પરંતુ જ્યારે બધા ભેગા થયા ત્યારે ફરીથી શાળાનો બેલ વાગ્યો હોય અને બધા એક જ બેન્ચ પર બેઠા હોય તેવો માહોલ સર્જાયો હતો.શિક્ષકોનો ઠપકો અને વર્ગખંડની મસ્તી યાદ કરીસ્નેહ ભોજન સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં મિત્રોએ બાળપણના તોફાનો, કોઈપણ જાતની સ્પર્ધા વિના ભણતરનો ઉઠાવેલો આનંદ, પરીક્ષા સમયની મહેનત, શિક્ષકોનો ઠપકો અને તેમની ખાસિયતો યાદ કરીને મહેફિલમાં નવો પ્રાણ ફૂંક્યો હતો. 32 વર્ષના લાંબા અંતરાલ બાદ પણ મિત્રોને જોવાની આંખોમાં આતુરતા અને હોઠ પર એ જ જૂની મસ્તી જોવા મળી હતી.સાચા મિત્રો એ જ જીવનની સાચી મૂડીદોડધામ ભરેલી આ દુનિયામાં જ્યાં લોકો ભૌતિક સુખ પાછળ ભાગી રહ્યા છે, ત્યારે 1994ની આ બેચે સાબિત કર્યું છે કે જીવનની સૌથી મોટી મૂડી બેંક બેલેન્સ નહીં, પરંતુ મુસીબતમાં કામ આવે તેવા સાચા મિત્રો છે. આ સંબંધોના તાંતણા સમય સાથે નબળા પડવાના બદલે વધુ મજબૂત બન્યા છે. અંતમાં તમામ મિત્રોએ 'ફરી મળશું, બહુ લાંબી રાહ નહીં જોવડાવીએ' તેવા દ્રઢ સંકલ્પ સાથે હૃદયમાં એક અનોખા સંતોષ સાથે એકબીજાને વિદાય આપી હતી.#Morbi #MorbiUpdate #MorbiNews #SchoolReunion #MahatmaGandhiSchool #Batch1994 #Friendship #ChildhoodFriends #HostelMemories #AlumniMeet