રાજ્યની મહાનગરપાલિકા - નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે રૂ. 3,850 કરોડના ચેક અર્પણ: નવા રસ્તાઓ માત્ર આર.સી.સી.ના જ બનાવવા તાકીદમોરબી અપડેટ: ગાંધીનગર ખાતે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને સર્વાંગી વિકાસ કામો માટે કુલ રૂપિયા 3,850 કરોડના ચેક અર્પણનો ગૌરવશાળી સમારોહ યોજાઈ ગયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શહેરી વિકાસ અને નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબહેન વાઘેલા અને નાયબ દંડક જગદીશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં આ ગ્રાન્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ યોજના હેઠળ રાજ્યની 17 મહાનગરપાલિકાઓને કુલ રૂપિયા 2,992 કરોડ તથા 152 નગરપાલિકાઓને રૂપિયા 858 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેમાં મોરબી શહેરના સર્વાંગી વિકાસ માટે પણ રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 55 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. મોરબી ઉપરાંત ગાંધીધામ, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર, મહેસાણા, વાપી, નડિયાદ અને આણંદ પ્રત્યેક શહેરને પણ રૂ. 55-55 કરોડની રકમ અર્પણ કરવામાં આવી છે.આ ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકાને સૌથી વધુ રૂ. 870 કરોડ તથા સુરત મહાનગરપાલિકાને રૂ. 770 કરોડ અર્પણ કરવામાં આવ્યા હતા. જ્યારે વડોદરા મહાનગરપાલિકાને રૂ. 285 કરોડ, રાજકોટને રૂ. 232 કરોડ, ભાવનગરને રૂ. 105 કરોડ અને જામનગર મહાનગરપાલિકાને રૂ. 105 કરોડની ગ્રાન્ટની રકમ ફાળવાઈ છે. તે જ રીતે જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકાને રૂ. 65-65 કરોડ પ્રાપ્ત થયા છે.નગરપાલિકા વિસ્તારના વિકાસ માટે 'અ' વર્ગની કુલ 41 નગરપાલિકાઓને રૂ. 307.50 કરોડ તથા 'બ' વર્ગની 34 નગરપાલિકાઓને રૂ. 221 કરોડ ફાળવવામાં આવ્યા છે. 'ક' વર્ગની 60 નગરપાલિકાઓને રૂ. 270 કરોડ અને 'ડ' વર્ગની 17 નગરપાલિકાઓને રૂ. 59.50 કરોડની ગ્રાન્ટ આપવામાં આવી છે.સમારોહને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નગરો-મહાનગરોમાં સુખાકારી અને સેવા-સુવિધાઓને સિટીઝન સેન્ટ્રિક, ટ્રાન્સપેરન્ટ, એકાઉન્ટેબલ અને ટેકનોલોજી ડ્રિવન બનાવવાનું પ્રેરક આહવાન કર્યું હતું. તેમણે પદાધિકારીઓ અને અધિકારીઓને તાકીદ કરી હતી કે નવા કામોના આયોજન સાથે જૂના અને પૂર્ણ થયેલા કામોની સ્થિતિની પણ કાળજી લેવાય અને પદાધિકારીઓ - અધિકારીઓ સાથે મળીને વિકાસ કામોની સાઈટ વિઝીટ કરે. તેમજ શહેરોમાં નવા નિર્માણ થનારા રસ્તાઓ માત્ર આર.સી.સી. (RCC) ના જ બને અને સ્વચ્છતા તથા ગ્રીન કવર વધારવાના કામોને વેગ અપાય તેવું વિશેષ સૂચન કર્યું હતું. ગ્રીન કવર વધારીને પર્યાવરણ પ્રિય શહેરો બનાવવાની હિમાયત કરતા મુખ્યમંત્રીઓ ઉમેર્યું હતું કે નવી બનતી ટીપી સ્કીમમાં એક ટકા જેટલી જમીન વૃક્ષારોપણ માટે ફરજિયાત અનામત રાખવાનું નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. તેનો પણ લોકોની સુખાકારી માટે બાગ બગીચા, ઓક્સિજન પાર્ક વગેરેના નિર્માણ ઉપરાંત અમલ થાય તે જરૂરી છે. વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2005માં શહેરી વિકાસ વર્ષની ઉજવણીથી નગર વિકાસ માટે વધુ નાણાં ફાળવણીથી અર્બન ડેવલોપમેન્ટનો જેમ મજબૂત પાયો નાખ્યો છે તેને સર્વગ્રાહી વિકાસ કામોથી આપણે આગળ તપાવ્યું છે અગાઉ નગરો માટેના બજેટ ત્રણ-ચાર લાખ રૂપિયાના બનતા, આજે એક જ દિવસમાં કરોડોની ગ્રાન્ટ વિકાસ કામો માટે અપાય છે તેવી સંગીન સ્થિતિ ઉભી કરી છે.શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ આ અવસરે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં નાણાં વિના શહેરોમાં વિકાસના કોઈ કામો અટક્યા નથી, પણ આપણે આ કામ વધુ ગુણવત્તાયુક્ત થાય તેની ખાસ કાળજી રાખવી જરૂરી છે. વર્તમાન સમયમાં ક્લાઈમેટ ચેન્જને ધ્યાનમાં રાખીને શહેરોમાં વિકાસના કામો કરવા જોઈએ. મંત્રીએ કહ્યું હતું કે, 'એક પેડ મા કે નામ' અંતર્ગત આપણા શહેરોને વધુને વધુ હરિયાળા બનાવવા તરફ આગળ વધવાનું છે. વડાપ્રધાને આપેલા 'સ્વચ્છતા અભિયાન'ના કોલને આપણે સાથે મળીને આગળ વધારીશું તો શહેરો વધુ સ્વચ્છ બનશે. 2047 સુધીમાં અંદાજે 70થી 75 ટકા વસ્તી શહેરોમાં વસવાટ કરતી હશે તે માટે આપણે અત્યારથી જ સુચારું ક્વોલિટી વર્ક થાય તેવું આયોજન સુનિશ્ચિત કરવું પડશે, તેમ મંત્રીએ ખાસ ભાર મૂકતા ઉમેર્યું હતું.શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શહેરી વિકાસ માટે ગ્રાન્ટ ફાળવણીની શરૂ કરેલી આ પરંપરાનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરી જનજીવનની સુખાકારીમાં વધારો કરવાનો છે.મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, 'આત્મનિર્ભર ભારત'ના વિઝનને સાકાર કરવા સ્થાનિક કારીગર-કલાકારો માટે સ્વદેશી મેળા અને ઘન કચરાના નિકાલ માટે ઝોન વાઈઝ વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીના 'ગુણવત્તાયુક્ત કામ' અને 'સ્વચ્છ ગુજરાત'ના મિશનને વેગ આપીને ગુજરાત વિકાસની સાથે સાથે સ્વચ્છતામાં પણ દેશભરમાં પ્રથમ ક્રમે આવે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીશ્રીના હસ્તે “20 વર્ષ શહેરી વિકાસના” તથા “અનંત અનાદિ વડનગર: વારસાથી વિકાસની ગૌરવ ગાથા” કોફી ટેબલ બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ એમ. થેન્નારસન, ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર રેમ્યા મોહન, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના CEO વીણા પટેલ, વિવિધ મહાનગરપાલિકાના પદાધિકારીઓ ઉપરાંત કમિશનરો, નગરપાલિકાના પ્રમુખો અને ચીફ ઓફિસરો સહિતના અધિકારીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.#Morbi #MorbiUpdate #UrbanDevelopment #CMBhupendraPatel #GrantAllocation #MorbiNews #GujaratNews