કોંગ્રેસે અલગ અલગ વિસ્તારમાં અપાતા ગંદા પાણીની બોટલો ભરી મેયરને દેખાડી : ફિલ્ટર પ્લાન્ટ વર્ષોથી બંધ હોવાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા હોવાનો શહેર કોંગ્રેસ પ્રમુખનો આક્ષેપમોરબી અપડેટ : મોરબી શહેરમાં ગંદા અને દુર્ગંધયુક્ત પીવાના પાણીનું વિતરણ થઈ રહ્યું છે. ત્યારે આ વિકટ સમસ્યાને લઈને કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકામાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાની આગેવાનીમાં કોંગ્રેસના આગેવાનોએ મેયર ઉત્તમ સુરાણીને અલગ અલગ વિસ્તારમાંથી એકત્ર કરેલ દુર્ગંધયુક્ત પાણીની બોટલો આપીને વિરોધ નોંધાવ્યો હતો.પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મોરબી શહેરની આજુબાજુ આવેલા તમામ પમ્પિંગ સ્ટેશનો પરના ફિલ્ટર પ્લાન્ટ છેલ્લા ઘણા વર્ષોથી બંધ છે. ગત વર્ષે પણ રજૂઆત કરી હતી અને આ વર્ષે પણ ચોમાસામાં લોકોને અતિ દુર્ગંધવાળું અને ખરાબ પાણી મળી રહ્યું છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. મેયર જાતે આ પાણી પીવાલાયક છે કે નહીં તેની ચકાસણી કરે તેવી માંગ કરવામાં આવી હતી.જોન્સનગર વિસ્તારમાં 1 વર્ષથી પીવાનું પાણી ન મળતું હોવાની રજૂઆતવધુમાં કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે, જોન્સનગર વિસ્તારના લોકો અને ઉમેદવાર હાજીભાઈ દ્વારા પણ પાણીની વિકટ સમસ્યા અંગે જાણ કરવામાં આવી હતી. ત્યાંની મહિલાઓએ 1 વર્ષથી પાઇપલાઇનમાં પીવાનું પાણી ન જોયું હોવાની રાવ કરી છે. કરોડો રૂપિયાના બજેટના વાયદાઓ વચ્ચે લોકોને શુદ્ધ પીવાનું પાણી નથી મળતું. કોંગ્રેસ પક્ષે એક જનપ્રતિનિધિ તરીકે માંગ કરી છે કે અલગથી બજેટ ફાળવીને તમામ ફિલ્ટર પ્લાન્ટ ફરીથી ચાલુ કરવામાં આવે જેથી લોકોને શુદ્ધ પાણી મળી શકે.પ્રશ્નનો ઉકેલ લાવવાની મેયર ઉત્તમ સુરાણીએ આપી ખાતરીકોંગ્રેસની રજૂઆત બાદ મેયર ઉત્તમ સુરાણીએ સ્વીકાર્યું હતું કે, ચોમાસાની સીઝનને કારણે ઉપરથી જે ફ્લો આવે છે તેના લીધે 13 વોર્ડમાં પીવાના પાણીમાં દુર્ગંધ આવવાની સમસ્યા સર્જાઈ છે. સિસ્ટમમાં મિક્સ પાણી થઈ રહ્યું હોવાને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. આ સમસ્યાના તાત્કાલિક નિવારણ માટે વોટર અને ડ્રેનેજના ચેરમેનો તથા અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક કરવામાં આવી છે અને આગામી દિવસોમાં સત્વરે તેનો નિકાલ લાવવામાં આવશે તેવા પ્રયત્નો ચાલુ છે.રોગચાળાને અટકાવવા 13 વોર્ડમાં ડીડીટીનો છંટકાવ શરૂપાડોશી જિલ્લા સુરેન્દ્રનગરમાં કોલેરાના રોગચાળા અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મેયરે જણાવ્યું હતું કે, મોરબીમાં પાણીજન્ય કે મચ્છરજન્ય રોગચાળો ન વકરે તે માટે અત્યારે તમામ 13 વોર્ડમાં ડીડીટી પાવડરનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગોની સમસ્યા ઉદભવે તે પહેલાં જ તેનું નિરાકરણ કરવાના તમામ પગલાં મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવી રહ્યા છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Congress #WaterProblem #MorbiNagarPalika #GujaratNews #Monsoon #PublicHealth