25 વીઘા જમીનમાં માત્ર રૂપિયા 70 લાખના ખર્ચે સિનિયર સિટીઝનોએ નિર્માણ કર્યું ઉપવન, તમામ પ્રકારના આયુર્વેદિક વૃક્ષની સાથે આંબા-આંબલી અને અંજીર સહિતના ફળ ઝાડ પણ ઉછેરાયામોરબી : સીરામીક નગરી મોરબીમાં હરવા-ફરવા માટે એક પણ સારું સ્થળ ન હોવાનું મહેણું સિનિયર સિટિજનોએ ભાંગી નાખ્યું છે.મોરબીની ભાગોળે મચ્છુ ડેમના કાંઠે જોધપર નદી ગામ પાસે મોરબી અને જોધપરના 30 જેટલા નિવૃત વડીલોએ યુવાનોને પણ શરમાવે તેવું કામ કરી 25 વીઘા જમીનમાં 23,500 અવનવા વૃક્ષો સાથેનો બગીચો તૈયાર કર્યો છે. જો કે, હજુ બગીચાનું કામ થોડું બાકી હોય આગામી દિવાળીના તહેવાર સમયે આ અદભુત ઉદ્યાન લોકો માટે ખુલ્લું મુકવામાં આવશે.મોરબીના જોધપર નજીકે વર્ષો પહેલા જિલ્લા કલેકટર હસ્તકની જગ્યા ઉદ્યાન હેતુ માટે અનામત રાખવામાં આવી હતી પરંતુ કાળક્રમે અહીં કોઈ જ ડેવલોપમેન્ટ ન થતા આ જગ્યા વર્ષોથી પડતર પડી હતી જેમાં મોરબી તેમજ જોધપર નદી ગામના સિનિયર સિટિજનોએ અહીં મોરબીવાસીઓને એક સુંદર હરવા ફરવાનું સ્થળ મળી રહે તે માટે અનોખો બગીચો બનાવવા વિચાર આવતા 55 વર્ષથી 85 વર્ષ સુધીના વડીલોએ જાત મહેનત જિંદાબાદના સૂત્ર સાથે વૃક્ષ વાવવાથી પોતાની પ્રવૃત્તિ શરૂ કરતા ધીમે-ધીમે અહીં સુંદર ઉદ્યાન બનાવવાની કલ્પના કરી વડીલોએ લગલગાટ 19 મહિનાની મહેનત બાદ અંદાજે 23 હજાર વૃક્ષ સાથેનો હરિયાળો બગીચો તૈયાર કર્યો છે.મોરબીના લોકોને સારું હરવા ફરવાનું સ્થળ મળે તે માટે મહેનત કરી રહેલા મોરબીના જ રહેવાસી નિવૃત સિવિલ ઈજનેર રામજીભાઈ બાવરવા કહે છે કે, મચ્છુ ડેમના કાંઠે અંદાજે 25 વીઘામાં 23,500 જેટલા વિવિધ રોપ, વૃક્ષ, ક્ષુપ અને છોડનું અહીં વાવેતર કરવામાં આવ્યું છે જેમાં તુલસીથી લઈ આંબલી, આમળા, આંબા, કારંજ, લીમડો, પીપળો, ઉમરો, સવન, આસોપાલવ, નાળિયેરી તેમજ 400થી વધુ પ્રકારના આયુર્વેદિક વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું છે અને હાલમાં તમામ વૃક્ષ ખીલી ઉઠ્યા છે.તેઓ ઉમેરે છે કે, આગામી દિવાળી સુધીમાં તમામ વૃક્ષ પરિપક્વ થયા બાદ આ બગીચાને જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે.સાથે જ અત્યાર સુધીમાં બગીચા પાછળ 40 લાખનો ખર્ચ થયો છે અને હજુ 30 લાખ જેટલો ખર્ચ થશે. જો કે,બગીચામાં આવનાર લોકો પાસેથી કોઈપણ જાતની ફી નહીં વસુલવામાં આવે તેમ જણાવી વડીલોએ પોતાની પાસે રહેલી ધનરાશિમાંથી જ બગીચો નિર્માણ કર્યાનું જણાવ્યું હતું.બગીચાને મહર્ષિ દયાનંદ સરસ્વતી ઉદ્યાન નામ અપાયું : બગીચામાં નવ વિભાગો મોરબીના જોધપર નદી પાસે સાકાર થયેલા ઉપવન અંગે નિવૃત સિવિલ ઈજનેર રામજીભાઈ બાવરવા જણાવે છે કે, 19 મહિનાની સતત મહેનત બાદ વૃક્ષો ખીલી ઉઠ્યા છે. બગીચાના નામ કરણ અંગે તો કહે છે કે, મોરબી જિલ્લાના મહાન ઋષિ સ્વામી દયાનંદ સરસ્વતીના નામ સાથે જોડાયેલ એક પણ યાદી ન હોય આ બગીચાને મહર્ષિ દયાનંદ સરસ્વતી નામ આપવામાં આવ્યું છે. સાથે જ બગીચામાં અલગ-અલગ ઋષિઓ અને મહાનુભાવના નામ સાથે જોડાયેલા નવથી 10 વિભાગ કરવામાં આવ્યા છે જેમાં જોગઋષિના નામે જોગવન, મહાસતી વૃંદા તુલસીવન, રમણ મહર્ષિ પક્ષી ઉદ્યાન, ચરક આયુર્વેદ વન, આર્યભટ્ટ નક્ષત્ર વન, જૈમિની રાશિવન, અબ્દુલ કલામ ગુલાબ વન, મચ્છુ વન અને સ્વામી સદાનંદ વન નામના અલગ અલગ દસ ભાગમાં અલગ અલગ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.બાળકો માટે નચિકેતા બાલ ઉદ્યાનમોરબીના નવા નજરાણા સમાન મહર્ષિ દયાનંદ સરસ્વતી ઉદ્યાનમાં સુંદર મજાના ફળ-ફળાદીના વૃક્ષની સાથે અહીં બાળકો માટે વિશેષ વિભાગ બનાવવામાં આવ્યો છે જેને નચિકેતા બાલ ઉદ્યાન નામ આપવામાં આવ્યા છે જેમાં દરેક જાતના રમત-ગમતના સાધનો, રાઇડ્સ અને ભુલભુલામણી જેવા આકર્ષણની સાથે અવનવી રાઇડ્સ મુકવામા આવશે જેનો તમામ ખર્ચ જોધપર નદી ગામના ઉદ્યોગપતિઓ દ્વારા આપવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.ઉદ્યાનમાં મચ્છુ 2 ડેમનું મોડલ આકર્ષણનું કેન્દ્રમહર્ષિ દયાનંદ સરસ્વતી ઉદ્યાનની સૌથી રોચક અને મહત્વની બાબત એ છે કે, સિનિયર સિટિજનો દ્વારા બગીચામાં એક અનોખું મોડેલ મુકવા તૈયારી ચાલી રહી છે.જેમાં મોરબીની જીવાદોરી મચ્છુ નદીના ઉદગમ સ્થાનથી લઈ માળીયા નજીક દરિયામાં વિલય થવા સુધીના ઘટનાક્રમને વર્ણવતું આકર્ષક આબેહૂબ મોડેલ મુકવામા આવશે. સિવિલ ઈજનેર રામજીભાઈએ ઉમેર્યું હતું કે, તેમના સાથી એવા એન્જીનીયર વિશાલભાઈ ભોરણીયાભાઈએ બગીચા નિર્માણ સમયે મચ્છુ ડેમની પ્રતિકૃતિ બગીચામાં મુકવા વિચાર રજૂ કર્યો હતો. બાદમાં સૌના સહિયારા પ્રયાસથી ચોટીલા નજીક ઉત્પત્તિ સ્થાન ધરાવતી મચ્છુ નદી તેમજ નદી પર બાંધવામાં આવેલ મચ્છુ 2 ડેમ અને આખરે મચ્છુ નદી દરિયામાં મળે છે ત્યાં સુધીના ઘટનાક્રમને વણી લેતું મોડેલ રજૂ કરવામાં આવ્યું છે.