ભારતીય કિસાન યુનિયનના નેતાઓ રાકેશ ટીકૈત અને રઘુવીરસિંહ ચૌધરીએ જેતપર ખેડૂત સત્યાગ્રહની મુલાકાત લીધીમોરબી અપડેટ : મોરબીના જેતપર ખાતે ચાલી રહેલા ખેડૂત સત્યાગ્રહની મુલાકાતે ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ રઘુવીરસિંહ ચૌધરી અને રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટીકૈત પહોંચ્યા હતા. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રઘુવીરસિંહ ચૌધરીએ જણાવ્યું હતું કે, સરકાર ખેડૂતોને 2 ગણું વળતર આપીને કોઈ અહેસાન નથી કરી રહી. જમીન સંપાદન કાયદા 2013 હેઠળ 100% સોલેશિયમ અને 4 ગણું વળતર આપવાની જોગવાઈ છે.તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વર્ષ 2013 પછી સરકારે સર્કલ રેટ રિવાઇઝ કરવાનું બંધ કરી દીધું છે જેથી ખેડૂતોની જમીન સસ્તામાં પચાવી પાડી શકાય. આ જમીન સંપાદન કોઈ સરકારી કે જાહેર સાર્વજનિક યોજના માટે નથી, પરંતુ ખાનગી વેપારી કે કંપની માટે થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં સરકારે વચેટિયા કે દલાલ બનવાનું બંધ કરવું જોઈએ. કંપની અને જમીનના માલિક ખેડૂતોએ સામસામે બેસીને બજાર ભાવ મુજબ સોદો કરવો જોઈએ.રઘુવીરસિંહ ચૌધરીએ સ્પષ્ટ કર્યું હતું કે, જ્યારે કોઈ ખાનગી ઉદ્યોગપતિ કે કંપની પોતાના વેપારના વિકાસ માટે ખેડૂતની જમીન લેવા માંગતી હોય, ત્યારે સરકારે વચ્ચે પડવાની જરૂર નથી. સરકારી યોજનાઓ માટેના કાયદા ખાનગી કંપનીઓ પર બળજબરીથી લાગુ ન કરી શકાય. ખેડૂતો અને કંપની વચ્ચે સીધો સંપર્ક થવો જોઈએ અને યોગ્ય બજાર ભાવ તથા 4 ગણા વળતર અંગે નિર્ણય લેવાવો જોઈએ.ગુજરાતના ખેડૂતો પર અત્યાચાર થશે તો દેશવ્યાપી આંદોલન થશે: રાકેશ ટીકૈતભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટીકૈતે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આંદોલન દબાવવાના પ્રયાસો થતા આવ્યા છે, પરંતુ હવે અહીંના ખેડૂતો પણ જાગૃત થઈને અન્યાય સામે અવાજ ઉઠાવી રહ્યા છે. તેમણે ચેતવણી આપી હતી કે જો ગુજરાત સરકાર ખેડૂતો પર લાઠીચાર્જ કે અત્યાચાર કરશે, તો ભારતીય કિસાન યુનિયન દેશના અન્ય રાજ્યોમાં પોલીસ સ્ટેશનો અને જિલ્લા મથકોનો ઘેરાવ કરશે તથા જરૂર પડશે તો દિલ્હી તરફ પણ કૂચ કરશે. સરકારના 2 ગણા વળતરના પરિપત્રને ખેડૂતોએ ફગાવી દીધો છે. જ્યાં સુધી ખેડૂતોને બજાર ભાવ મુજબ 4 ગણું વળતર નહીં મળે અને તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.#MorbiUpdate #JetparFarmerSatyagraha #RakeshTikait #RaghuvirSinghChoudhary #FarmerProtest #LandAcquisition #GujaratFarmers #MorbiNews