મોરબીના યુવાને 45999 નું ફ્રીજ ઓનલાઈન ખરીદ્યું હતું, કંપનીએ ઉડાવ જવાબ આપતા ગ્રાહક સુરક્ષા મંડળની મદદથી કેસ દાખલ કરાયો: 10000 નો કોર્ટ ખર્ચ પણ ચૂકવવા હુકમમોરબી અપડેટ : આજના ડિજિટલ યુગમાં ઓનલાઇન શોપિંગનું ચલણ વધ્યું છે, પરંતુ ઘણીવાર ગ્રાહકો છેતરાયાનો અહેસાસ કરે છે. મોરબીમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં ઓનલાઇન ખરીદેલું ફ્રીજ ખરાબ નીકળતા અને કંપનીએ હાથ અધ્ધર કરી દેતા મામલો ગ્રાહક અદાલતમાં પહોંચ્યો હતો. કોર્ટે ગ્રાહકની તરફેણમાં ચુકાદો આપી ઓનલાઇન વિક્રેતા કંપનીને આકરો દંડ ફટકાર્યો છે.મોરબીના વતની રક્ષિતભાઈ વાલજીભાઈ કાવરે એમેઝોન મારફતે ઓનલાઇન ક્લાઉડટેલ ઇન્ડિયા પ્રા. લી. પાસેથી 45999 રૂપિયાની કિંમતનું ફ્રીજ ખરીદ્યું હતું. આ ફ્રીજ જરા પણ ઠંડક ન આપતા ગ્રાહકે વારંવાર કંપનીને ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ જ જવાબ આવ્યો ન હતો. ગ્રાહકે ફ્રીજ બદલી આપવા કહ્યું તો કંપનીએ એવું બહાનું કાઢ્યું કે આ મોડલ હવે તેમની પાસે નથી. હદ તો ત્યારે થઈ જ્યારે ગ્રાહકે ફ્રીજ પરત લેવાનું કહ્યું, ત્યારે કંપનીએ 45999 ના ફ્રીજના બદલામાં માત્ર 5487 રૂપિયા પરત આપવાનો ઉડાવ જવાબ આપ્યો.આ અન્યાય સામે રક્ષિતભાઈએ મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાનો સંપર્ક કર્યો હતો. લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કંપની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ ચાલી જતા ગ્રાહક અદાલતે ક્લાઉડટેલ કંપનીને આદેશ આપ્યો છે કે તેઓ રક્ષિતભાઈને નવું ફ્રીજ બદલાવી આપે. જો કંપની પાસે તે મોડલ ન હોય તો ફ્રીજની કિંમત 45999 રૂપિયા અને ગેરંટી પિરિયડમાં થયેલા ખર્ચના 5023 રૂપિયા મળીને કુલ 51022 રૂપિયા પરત ચૂકવે.આ ઉપરાંત કોર્ટે કંપનીને કેસના ખર્ચ પેટે 10000 રૂપિયા ચૂકવવાનો અને કેસ દાખલ કર્યા તારીખથી 9 ટકા વ્યાજ સાથે રકમ ચૂકવવાનો આદેશ આપ્યો છે.ગ્રાહક સુરક્ષા મંડળની અપીલઆ કિસ્સાને ટાંકીને મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ઓનલાઇન વસ્તુ ખરીદતા પહેલા પૂરતો વિચાર કરવો. જો કોઈ પણ ગ્રાહકને આવો અન્યાય થાય તો મંડળના આગેવાનો લાલજીભાઈ મહેતા, હિતેશભાઈ મહેતા, રામભાઈ મહેતા અથવા બળવંતભાઈ ભટ્ટનો સંપર્ક કરવા જણાવાયું છે.#Morbi #MorbiUpdate #ConsumerCourt #OnlineShoppingFraud #GrahakSuraksha #Amazon #MorbiNews #ConsumerRights #MorbiCity