નિવૃત્ત સ્ટાફ નર્સના હક્ક રજા, વીમા, જીપીએફ સહિતના બિલો મંજુર કરવા માંગી હતી રૂ.15 હજારની રકમ મોરબી અપડેટ : માળીયા (મી) સી.એચ.સી. કેન્દ્રમાં હેડ કલાર્ક તરીકે ફરજ બજાવતા કર્મચારી સામે નોંધાયેલા એ.સી.બી. (લાંચ રુશવત વિરોધી) કેસમાં મોરબીની સેશન કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. અદાલતે આરોપી હેડ કલાર્કને દોષિત ઠેરવી 5 વર્ષની સખ્ત કેદની સજા અને રૂ. 10000 નો દંડ ફટકાર્યો છે.નિવૃત્ત કર્મચારી પાસે બિલ મંજૂર કરવા માંગી હતી લાંચકેસની વિગત મુજબ, માળીયા (મી) સી.એચ.સી. કેન્દ્ર ખાતે સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતા મહિલા 31/05/2009 ના રોજ સ્વૈચ્છિક નિવૃત્ત થયા હતા. નિવૃત્તિ બાદ તેમના હક્ક રજા, જી.પી.એફ., વિમા વગેરેના બિલો બનાવવા અને મંજૂર કરાવવા માટે સી.એચ.સી. કેન્દ્રના વર્ગ-3 ના હેડ કલાર્ક પ્રવિણકુમાર હાજાભાઈ વાજા (ઉં.વ. 58) દ્વારા રૂ. 15000 ની લાંચની માંગણી કરવામાં આવી હતી.ફરિયાદી દ્વારા તા. 27/06/2009 ના રોજ રૂ. 10000 અને તા. 29/06/2009 ના રોજ રૂ. 5000 આપવામાં આવ્યા હતા. તેમ છતાં આરોપી પ્રવિણકુમાર વાજાએ ફરીથી રૂ. 5000 ની માંગણી કરી હતી.માળીયા બસ સ્ટેન્ડે એ.સી.બી.નું ટ્રેપ ગોઠવાયું હતુંઆરોપીએ તા. 04/09/2009 ના રોજ સાંજે 4 થી 5 વાગ્યા વચ્ચે માળીયા (મી) બસ સ્ટેન્ડે લાંચની રકમ આપવા વાયદો કર્યો હતો. જેથી ફરિયાદીએ એ.સી.બી.માં ફરિયાદ નોંધાવી હતી. એ.સી.બી.ની ટીમે ગોઠવેલા છટકામાં આરોપી પ્રવિણકુમાર વાજાના કહેવાથી અન્ય આરોપીએ લાંચની રકમ સ્વીકારતા જ એ.સી.બી.ની ટીમે તેમને ઝડપી લીધા હતા. આ મામલે રાજકોટ એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.અદાલતે સંભળાવી 5 વર્ષની કેદની સજાઆ કેસ મોરબીના બીજા એડિશનલ સેશન્સ જજ સાહેબની અદાલતમાં ચાલવા પર આવતા, રજૂ કરાયેલા 42 જેટલા દસ્તાવેજી પુરાવા અને મદદનીશ સરકારી વકીલ એન.ડી.કારીઆની દલીલો ધ્યાને લઇ આરોપી પ્રવિણકુમાર હાજાભાઈ વાજાને ભ્રષ્ટાચાર નિવારણ અધિનીયમ હેઠળ દોષિત ઠેરવ્યા હતા. અદાલતે આરોપીને 5 વર્ષની સખ્ત કેદની સજા અને રૂ. 10000 નો દંડ ફટકાર્યો છે. જો આરોપી દંડની રકમ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ 1 માસની કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કેસમાં જપ્ત કરાયેલી રૂ. 5000 ની મુદ્દામાલની રકમ સરકાર ખાતે જપ્ત કરવાનો પણ આદેશ કરાયો છે.#MorbiUpdate #MorbiNews #ACB #MorbiCourt #CrimeNews #Morbi #GujaratNews #MorbiCity #BreakingNews