શુદ્ધ મધ, ફળ-ફૂલના રોપા, આયુર્વેદિક વસ્તુઓ, શુદ્ધ તેલ અને માટીના વાસણો સહિતની ચીજવસ્તુઓ ઉપલબ્ધ રહેશે: ગ્રાહકોને કાપડની થેલી સાથે લાવવા સંસ્થાનો અનુરોધમોરબી અપડેટ : મોરબીમાં નવરંગ નેચરલ ક્લબ દ્વારા પર્યાવરણ અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાના ઉમદા હેતુથી દર મહિનાના બીજા રવિવારે ખેડૂત હાટનું આયોજન કરવામાં આવે છે. આગામી તારીખ 9/8/2026 ને રવિવારના રોજ સવારે 8 થી 1 વાગ્યા સુધી શનાળા રોડ પર ઉમિયા સર્કલ પાસે, સત્યેશ્વર મહાદેવ મંદિર નજીક આ ખેડૂત હાટ યોજાવા જઈ રહ્યો છે, જેમાં નાગરિકોને વિવિધ ચીજવસ્તુઓ રાહત દરે પૂરી પાડવામાં આવશે.આ ખેડૂત હાટમાં અનેક જીવનજરૂરી અને પ્રાકૃતિક વસ્તુઓ રાહત ભાવે ઉપલબ્ધ થશે. જેમાં એલોવેરા, લીમડા, અરીઠા અને શિકાકાઈના સાબુ, શેમ્પૂ, કોફી, સ્ક્રબ, અગરબત્તી, ધૂપ, ગુગળ, કપૂર અને હવન સામગ્રી મળશે. આ ઉપરાંત દેશી ખાતર, શુદ્ધ ચોખ્ખું મધ, વિવિધ ઔષધ પાવડર, ચૂર્ણ (હરડે, બહેડા, આમળા, ત્રિફળા, સરગવો, મેથી વગેરે), દંતમંજન, સિંધાલૂણ, સંચળ પાવડર, છાસ મસાલો, દેશી ખાંડ, દેશી ગોળ, પાપડ અને ખાખરાનો પણ સમાવેશ થાય છે.બાગાયત અને પર્યાવરણ પ્રેમીઓ માટે આંબા, ચીકુ, દાડમ, જામફળ અને નાળિયેરી જેવા ફળાઉ રોપા તેમજ 26 પ્રકારના ગુલાબ, મોગરો, ચંપો, કેવડો અને ગલગોટા સહિતના ફૂલ-છોડના કલમી રોપા પણ અહીંથી મળી રહેશે. માટીકામ અને ગૃહઉદ્યોગને ઉત્તેજન આપવા કાળી માટીના રસોઈના વાસણો, હાથેથી બનાવેલ તાવડી, પાટિયા, ટકાઉ મજબૂત ફાઈબરના કુંડા તેમજ અન્ય માટીના અને લાકડાના વાસણો (લાકડાના બ્રશ અને દાંતિયા) પણ વેચાણ અર્થે રાખવામાં આવશે.રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ખાસ શુદ્ધ ચાંદીની ગેરંટીવાળી રાખડીઓ પણ મળશે. આ સાથે કાળા અને સફેદ તલની સાની, ડ્રાયફ્રૂટ (બદામ, પિસ્તા, કાજુ, ખજૂર), કચરિયું, કોપરેલ તેલ, પ્યોર તલનું તેલ તેમજ એક વર્ષની ગેરંટી સાથેનું શુદ્ધ મગફળીનું તેલ પણ ખેડૂત હાટમાંથી ખરીદી શકાશે.સંસ્થા દ્વારા નાગરિકોને ખરીદી કરવા આવતી વખતે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીને પોતાની સાથે કાપડની થેલી લાવવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. આ ખેડૂત હાટ વિશે વધુ માહિતી મેળવવા માટે વી. ડી. બાલા (મો.નં. 9427563898) અથવા લવજીભાઈ પ્રજાપતિ (મો.નં. 9925369465) નો સંપર્ક કરવા જણાવાયું છે.#Morbi #MorbiUpdate #NavrangNatureClub #KhedutHaat #OrganicProducts #Ayurveda #NatureClub #MorbiNews